News of Tuesday, 4th August 2026
દેશની ૪૯% સરકારી શાળાઓમાં સાયન્સ લેબ જ નથી! સંસદમાં શરમજનક આંકડા જાહેર : રાજસ્થાન-બિહાર અને ગુજરાતની સ્થિતિ અતિ ચિંતાજનક
ભારતને STEM ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવાના દાવા વચ્ચે શિક્ષણ મંત્રાલયનો દાવો: દિલ્હી ૯૯.૬% સાથે દેશમાં મોખરે : જ્યારે રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં વિજ્ઞાન શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત

નવી દિલ્હી ; ભારતને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાએ સુપરપાવર બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે દેશના શિક્ષણ ક્ષેત્રની એક અત્યંત ચિંતાજનક અને કડવી વાસ્તવિકતા સામે આવી છે. કેન્દ્ર સરકારે સંસદમાં સત્તાવાર આંકડા રજૂ કરતા ખુલાસો કર્યો છે કે દેશની લગભગ ૪૯% સરકારી માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રયોગશાળા નો સંપૂર્ણ અભાવ છે. એટલે કે દેશના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના પ્રાયોગિક પ્રયોગો કર્યા વિના માત્ર પુસ્તકિયા જ્ઞાનના ભરોસે વિજ્ઞાન ભણવા મજબૂર બન્યા છે.
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ૨૦૨૫-૨૬ ના તાજેતરના આંકડા મુજબ, દેશની માત્ર ૫૦.૧% સરકારી શાળાઓમાં જ સાયન્સ લેબ ઉપલબ્ધ છે. રાજ્યોના સંદર્ભમાં સૌથી ખરાબ સ્થિતિ રાજસ્થાન અને બિહારની છે, જ્યાં અનુક્રમે માત્ર ૨૦.૯% અને ૨૨.૯% શાળાઓમાં જ લેબ છે. આશ્ચર્યજનક રીતે, દેશનું મોડેલ રાજ્ય ગણાતું ગુજરાત પણ આ યાદીમાં નીચેના ક્રમે છે, જ્યાં માત્ર ૨૯.૨% સરકારી શાળાઓમાં પ્રયોગશાળાની સુવિધા છે. આ આંકડા દર્શાવે છે કે દેશના મોટા રાજ્યોમાં શૈક્ષણિક માળખું કેટલું જર્જરીત સ્થિતિમાં છે.
બીજી તરફ, રાજધાની દિલ્હીએ શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યાં ૯૯.૬% સરકારી માધ્યમિક શાળાઓ આધુનિક સાયન્સ લેબથી સજ્જ છે. દિલ્હી પછી ગોવા (૮૯.૪%) અને પંજાબ (૮૨.૮%) માં શ્રેષ્ઠ વ્યવસ્થા જોવા મળી છે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો શાળાઓમાં યોગ્ય પ્રયોગશાળાઓ અને પ્રશિક્ષિત શિક્ષકો પૂરા પાડવામાં નહીં આવે, તો 'નવી શિક્ષણ નીતિ' અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધનના સરકારના તમામ દાવાઓ કાગળ પર જ રહી જશે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
