<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત : મોનેટરી પોલિસી કમિટીએ સતત ચોથી વખત રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખ્યો

પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અસ્થિર હોવાનું જણાવતા આરબીઆઈ ગવર્નર : સર્વાનુમતે નીતિ વિષયક વલણ ન્યુટ્રલ રાખવા સાથે SDF રેટ ૫ ટકા અને MSF રેટ ૫.૫ ટકા પર સ્થિર રખાયા

 

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) દ્વારા બુધવાર, ૫ ઓગસ્ટના રોજ પોલિસી રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા તેને ૫.૨૫ ટકા પર યથાવત રાખવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન બાદ ચાલુ વર્ષે સતત ચોથી વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે. વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો આ નિર્ણય એમપીસી સમિતિના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો છે અને આરબીઆઈએ પોતાનું નીતિ વિષયક વલણ પણ "ન્યુટ્રલ" જાળવી રાખ્યું છે.

પોલિસી રેપો રેટ યથાવત રહેવાના પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ ૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ ૫.૫ ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. નીતિ વિષયક વક્તવ્ય આપતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક આર્થિક વાતાવરણ ઉત્તરોત્તર વધુ અસ્થિર બનતું જઈ રહ્યું છે.

હેડલાઈન ફુગાવો (મોંઘવારીનો દર) ધારણા મુજબ જ આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંકથી થોડો ઉપર પહોંચ્યો હોવાનું સ્વીકારતા ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નોંધાયેલો વાસ્તવિક ફુગાવો અપેક્ષા કરતા સહેજ નીચો રહ્યો છે. આ ઉપરાંત દેશમાં કિંમતોના દબાણનું વ્યાપક સામાન્યીકરણ (જનરલાઈઝેશન) થયું નથી અને કોર ઈન્ફ્લેશન હજુ પણ નિયંત્રણ હેઠળ તથા સાનુકૂળ સ્થિતિમાં જળવાઈ રહ્યું છે.

(10:10 AM IST)