<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

પાકિસ્‍તાનમાં તખ્‍તાપલટની આશંકા! નકવીના ધમાકેદાર ખુલાસાથી શાહબાઝ સરકારના પાયા હચમચ્‍યા

મુનીર અને શરીફ વચ્‍ચેની તિરાડ હવે ઘેરી બનતા બળવાની અટકળો તેજ બની ઈતિહાસના સૌથી મોટા ૨૧ વર્ષ જૂના કૌભાંડનો પર્દાફાશ કરી ગળહમંત્રીએ ન્‍યાયાધીશોથી લઈને રાજકારણીઓને લપેટામાં લીધા

ઈસ્‍લામાબાદ, તા.૫: પાકિસ્‍તાનમાં સેના-સરકાર વચ્‍ચેનો ગળહકલેશ હવે જાહેરમાં બબાલનું રૂપ લઈ ચૂકયો છે. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના સૌથી ખાસ અને વિશ્વાસુ ગણાતા દેશના ગળહમંત્રી મોહસીન નકવીએ તાજેતરમાં આપેલા એક ધમાકેદાર નિવેદને આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. નકવીએ દાવો કર્યો છે કે પાકિસ્‍તાનના ઈતિહાસનું સૌથી મોટું લાંચ-રૂશ્વત કૌભાંડ સામે આવ્‍યું છે, જેમાં દેશની ન્‍યાયપ્રણાલીના ન્‍યાયાધીશો, ઉચ્‍ચ અમલદારો, અગ્રણી રાજકારણીઓ અને બેંકરો છેલ્લા ૨૧ વર્ષથી કરોડોની લાંચ ચાવી રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, દેશના વહીવટી માળખા અને શાહબાઝ સરકાર પર સીધા પ્રહાર કરતા આ ખુલાસામાં તેમણે આર્મી કે સેનાના અધિકારીઓનું નામ સુદ્ધાં નથી લીધું, જે સ્‍પષ્ટ દર્શાવે છે કે આ નિશાન સિવિલિયન સ્‍થાપના તરફ જ છે.

મોહસીન નકવીના આ સનસનાટીભર્યા દાવા બાદ પાકિસ્‍તાનના રાજકીય ગલિયારામાં વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી ખતરામાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્‍યું છે. નકવી માત્ર ગળહમંત્રી જ નથી પરંતુ આર્મી ચીફના અત્‍યંત નજીકના સંબંધી અને તેમના ખાસ રાજકીય દૂત પણ છે. વિશ્‍લેષકોનું માનવું છે કે અસીમ મુનીરે પોતે નકવીના ખભે બંદૂક ફોડીને શાહબાઝ શરીફને આખરી ચેતવણી આપી દીધી છે. બલૂચિસ્‍તાનમાં ભડકે બળતો વિરોધ અને પીઓકેમાં વ્‍યાપેલો ભયંકર જનઆક્રોશ સંભાળવામાં શરીફ સરકાર નિષ્‍ફળ રહી છે. આ સંજોગોમાં, આર્મી ચીફ મુનીર પોતાના હસ્‍તકના પોપેટ મોહસીન નકવીને વડાપ્રધાન કે કોઈ મોટી રાજકીય ભયમુક્‍ત ભૂમિકામાં ગોઠવીને દેશમાં જનરલ પરવેઝ મુશર્રફ જેવી સરમુખત્‍યારશાહી કે પ્રેસિડેન્‍શિયલ સિસ્‍ટમ લાગુ કરવાનો તખ્‍તો ઘડી રહ્યા હોય તેવી શકયતા વ્‍યક્‍ત થઈ રહી છે.

દરમિયાન, નકવીના આ સ્‍ટેટમેન્‍ટ બાદ પાકિસ્‍તાનની શાસક ગઠબંધન સરકારમાં સામેથી વળતો પ્રહાર શરૂ થઈ ગયો છે. સંરક્ષણ મંત્રી ખ્‍વાજા આસિફે તીખો હુમલો કરતા કહ્યું છે કે જો કેબિનેટ અને સંસદમાં ભાગ સુદ્ધાં ન લેનારા ગળહમંત્રી પોતે સિસ્‍ટમ સામે રોદણાં રોતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે નકવીને તાકીદ કરી કે પહેલાં તેઓ તેમના પોતાના પીસીબી ક્રિકેટ બોર્ડમાં ચાલતી ગેરરીતિઓ અટકાવે અને પછી દેશમાં ક્રાંતિ લાવવાના સપના જુએ. સેનાના ઈશારે નકવી દ્વારા સિસ્‍ટમ ભાંગી પડ્‍યાના અને કૌભાંડોના કરવામાં આવી રહેલા આ ખુલાસાઓએ ઈસ્‍લામાબાદથી લઈને રાવલપિંડી સુધી કટોકટી જેવો માહોલ સર્જી દીધો છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે શું અસીમ મુનીર શાહબાઝ શરીફનું પત્તું કાપીને નકવીના હાથમાં પાકિસ્‍તાનની કમાન સોંપશે કે પછી પાકિસ્‍તાન ફરી એકવાર આર્મીના લશ્‍કરી શાસન (માર્શલ લો) ની અંધારી ખાઈમાં ધકેલાઈ જશે.

(11:48 AM IST)