<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

મહારાષ્ટ્રમાં બનાવટી 'એનાલોગ પનીર'ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર એક વર્ષ માટે પૂર્ણ પ્રતિબંધ: જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા અને ગ્રાહકોને છેતરતા તત્વો સામે લાલ આંખ, છત્તીસગઢ બાદ આવો નિર્ણય લેનાર દેશનું બીજું રાજ્ય બન્યું

​દૂધના બદલે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચથી બનતા નકલી પનીર અંગે એફડીએ દ્વારા સખત આદેશ: હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સ દ્વારા અસલી પનીરના નામે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ પીરસવા સામે કાર્યવાહી, નિયમભંગ કરનારને જેલ અને રૂ. 10 લાખ સુધીના દંડની જોગવાઈ

​મુંબઈ: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ખીલવાડને અટકાવવા તથા ખાદ્યપદાર્થોમાં થતી છેતરપિંડી રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે સમગ્ર રાજ્યમાં કૃત્રિમ કે નોન-ડેરી 'એનાલોગ પનીર'ના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, જથ્થાબંધ તેમજ છૂટક વેચાણ પર એક વર્ષ માટે તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંઢે દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ છત્તીસગઢ બાદ એનાલોગ પનીર પર સંપૂર્ણ રોક લગાવનારું મહારાષ્ટ્ર દેશનું બીજું રાજ્ય બની ગયું છે.

​એફડીએની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજ્યની અનેક હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ધાબા, ક્લાઉડ કિચન અને કેટરિંગ સર્વિસ પ્રોવાઇડર્સ ગ્રાહકોને અંધારામાં રાખીને અસલી દૂધના પનીરના નામે અત્યંત સસ્તું અને નકલી એનાલોગ પનીર પીરસી રહ્યા હતા. એનાલોગ પનીર એ કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ તેમાં વનસ્પતિ તેલ, હાઇડ્રોજનેટેડ ફેટ, સ્ટાર્ચ, કેમિકલ ઇમલ્સીફાયર અને મિલ્ક સોલિડ્સનો ઉપયોગ કરીને પનીર જેવો જ આકાર અને ટેક્સચર આપવામાં આવે છે. ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો હોવાથી અને તેમાં પોષક તત્વો નગણ્ય હોવાથી આ પ્રકારનું વેચાણ ગ્રાહકોના અધિકારો અને સ્વાસ્થ્ય પર મોટો પ્રહાર સમાન હતું.

​સરકારી આદેશ અનુસાર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ હેઠળ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી, ઉત્પાદક અથવા હોટેલ માલિક એનાલોગ પનીરને અસલી ડેરી પનીર તરીકે વેચતા અથવા પીરસતા ઝડપાશે, તો તેમની સામે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ હેઠળ સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાન્ય ઉલ્લંઘન માટે 6 મહિનાની કેદ અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અસુરક્ષિત કે નકલી પનીરના સેવનથી કોઈ નાગરિકના આરોગ્યને ગંભીર નુકસાન કે મૃત્યુ થાય તેવા કિસ્સામાં આજીવન કેદની સજા અને ઓછામાં ઓછા રૂ. 10 લાખના દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે.

(2:43 PM IST)