<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું મહત્ત્વનું તારણ : હિંદ મહાસાગરમાં પોઝિટિવ આઈઓડી અને પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી અલ નીનોની સ્થિતિ આકાર પામી

સતત બીજા અઠવાડિયે ઇન્ડિયન ઓશન ડિપોલ +૦.૬૩ ડિગ્રી નોંધાયો, ૨૦ ઓગસ્ટ પછી વાતાવરણ સાથે સક્રિય થશે : ૨૦૨૩ કરતાં પણ મજબૂત અલ નીનો સામે ચોમાસાની સ્થિતિ પર સૌની નજર

મુંબઈ : હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના જણાવ્યા અનુસાર, હવામાનના ક્ષેત્રે અપેક્ષિત દિશામાં જ ફેરફારો થઈ રહ્યા છે અને હિંદ મહાસાગરમાં 'પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ' (Positive IOD) હવે મજબૂત રીતે સ્થાપિત થવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં જારી કરાયેલા ડાયપોલ મોડ ઇન્ડેક્સ (DMI) અનુસાર તેનું તાપમાન +૦.૬૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સતત બીજા અઠવાડિયે પોઝિટિવ આઈઓડીની નિર્ધારિત મર્યાદાથી ઉપર રહ્યું છે. આવનારી ૨૦ ઓગસ્ટ પછી આ પોઝિટિવ આઈઓડી સંપૂર્ણપણે સ્થાપિત થઈને વાતાવરણ સાથે સક્રિય થઈ જવાની ક્ષમતા ધરાવે છે.

 

બીજી તરફ, પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ તાપમાન માપતો 'રીલેટિવ નીનો ઇન્ડેક્સ' (RONI) આ સિઝનમાં પહેલીવાર +૨.૦૨ ડિગ્રી સેલ્સિયસની સપાટીએ પહોંચી ગયો છે. આ બાબત એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે 'અલ નીનો' (El Nino) હવે અત્યંત શક્તિશાળી એટલે કે 'સ્ટ્રોંગ ટેરિટરી'માં પ્રવેશ કરી ચૂક્યો છે. સામાન્ય રીતે અલ નીનોની સક્રિયતા ચોમાસા માટે પડકારજનક માનવામાં આવે છે, પરંતુ પોઝિટિવ આઈઓડી ભારતીય ચોમાસા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

 

હવામાનની આ બંને પરિસ્થિતિઓ વચ્ચે ચોમાસાની સિઝનના ઉત્તરાર્ધમાં પોઝિટિવ આઈઓડી, અલ નીનોની નકારાત્મક અસરોને ડામી શકશે કે કેમ તે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતનું માનવું છે કે પોઝિટિવ આઈઓડીમાં અલ નીનોની અસરને પહોંચી વળવાની ક્ષમતા છે, પરંતુ તેના માટે વાતાવરણીય સિસ્ટમો જેવી કે 'એમજેઓ' (MJO), 'મીસો' (MISO), 'રોસબી વેવ્સ' અને બંગાળની ખાડીમાં સર્જાતા ઓછા દબાણના વિસ્તારો (LPA) નો સાથ મળવો જરૂરી બનશે.

 

અગાઉ વર્ષ ૨૦૨૩ ના ચોમાસા દરમિયાન પણ આ જ મહિનાઓમાં પોઝિટિવ આઈઓડી અને અલ નીનો બંને એકસાથે જોવા મળ્યા હતા. જોકે, તે સમયે અલ નીનોની તીવ્રતા આશરે +૧.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલી મધ્યમ હતી, જ્યારે આ વર્ષે તે વધુ મજબૂત બનીને +૨.૦૨ ડિગ્રી પર પહોંચી ગઈ છે. જેથી આગામી દિવસોમાં ચોમાસાની પેટર્ન અને વરસાદની સ્થિતિ કેવા પ્રકારે આકાર લે છે તે સમય જ બતાવશે.

(3:34 PM IST)