<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

સીમાંકન બિલ પર હોબાળોઃ ૧૬ થી ૧૮ ઓગસ્‍ટ દરમિયાન સંસદના ખાસ સત્રની તૈયારીઓ તેજ

કોંગ્રેસે આરપારના જંગનું કર્યુ એલાનઃ સંસદીય મડાગાંઠ ઉકેલવા રિજિજુ અને રાહુલ ગાંધી વચ્‍ચે બેઠક

નવી દિલ્‍હી, તા.૫: દેશના રાજકીય ગલિયારામાં સીમાંકન બિલને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્‍ચેનો મુકાબલો આક્રમક મોડમાં આવી ગયો છે. સંસદમાં ચાલી રહેલી ગંભીર મડાગાંઠને ઉકેલવાના ભાગરૂપે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી વચ્‍ચે એક ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઈ હતી. વર્તુળોના જણાવ્‍યા અનુસાર, સરકાર ૧૫ ઓગસ્‍ટ પછી એટલે કે ૧૬ થી ૧૮ ઓગસ્‍ટ દરમિયાન સંસદનું ખાસ સત્ર બોલાવીને સીમાંકન બિલ પસાર કરાવવાની મોટી વ્‍યૂહરચના ઘડી રહી છે.

બિલ પર સર્વસંમતિ સાધવા માટે કેન્‍દ્ર સરકારે પોતાના મંત્રીઓની ફોજ મેદાનમાં ઉતારી છે. કિરેન રિજિજુને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સંવાદ સાધવાની જવાબદારી સોંપાઈ છે, જ્‍યારે પ્રહલાદ જોશી, પિયુષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ અને એસ. મુરુગનને અન્‍ય વિપક્ષી દળો સાથે ચર્ચા કરવાની કમાન્‍ડ અપાઈ છે. આ ઉપરાંત, સરકાર આગામી સપ્તાહે સંસદમાં ફોરેન કન્‍ટ્રીબ્‍યુશન રેગ્‍યુલેશન એમેન્‍ડમેન્‍ટ બિલ, ૨૦૨૬ (રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે.

બીજી તરફ, કોંગ્રેસે સીમાંકન બિલ સામે ખુલ્લો મોરચો માંડી દીધો છે. કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જો સરકાર ગળહમાં આ બિલ લાવશે તો વિપક્ષી ગઠબંધન તેનો આક્રમક વિરોધ કરશે. હાલમાં ખાસ સત્રની તારીખો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આગામી ૪૮ કલાકમાં સરકાર દ્વારા ઔપચારિક નિર્ણય લેવાય તેવી પૂરી શકયતા છે.

 

 

(3:29 PM IST)