News of Wednesday, 5th August 2026
મોંઘવારીના મોરચે જનતાને રાહત! ક્રૂડના ભાવ ઘટતા RBIએ ફુગાવાનો અંદાજ ઘટાડયો
ખાદ્યચીજો અને ઈંધણના ભાવમાં વધારા છતાં વૈશ્વિક ક્રૂડમાં નરમાઈથી ગ્રાહકોને મોટી રાહત મળવાની આશા

મુંબઈ, તા.૫: વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય અસ્થિરતા અને ઈરાન યુદ્ધના કારણે વધતા તેલના ભાવો વચ્ચે ભારતીય રિઝર્વ બેંકની મોનિટરિંગ પોલિસી કમિટીએ દેશની જનતાને મોટી રાહત આપી છે. ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ મળેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં બેન્ચમાર્ક રેપો રેટને ૫.૨૫ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડા અને સપ્લાય ચેઈનમાં સુધારાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ફુગાવાનો અંદાજ ૫.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ વધવાની ચિંતા કરી રહેલા દેશના કરોડો મધ્યમ વર્ગીય પરિવારને મોટી શાંતિ મળી છે.
આરબીઆઈના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક ફુગાવો અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવો તેના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા બાદ ફરી નીચે આવવાની શકયતા છે. રિઝર્વ બેંકના ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે બેંકની પ્રથમ પ્રાથમિકતા દેશમાં ભાવ સ્થિરતા જાળવવાની છે. જૂન મહિનામાં છૂટક ફુગાવો વધીને ૪.૩૮ ટકા પર પહોંચી ગયો હતો, જે આરબીઆઈના ૪ ટકાના ટાર્ગેટથી સહેજ ઉપર છે, પરંતુ આ વધારો મુખ્યત્વે ખાદ્ય સામગ્રી અને ઈંધણના ટૂંકા ગાળાના ભાવવધારાને કારણે હતો. મલ્હોત્રા અને તેમની ટીમે ખાતરી આપી છે કે કિંમતી ધાતુઓને બાદ કરતાં મુખ્ય (કોર) ફુગાવો હજુ પણ નિયંત્રણ હેઠળ જ છે.
બીજી તરફ, વૈશ્વિક સંકટો વચ્ચે રૂપિયા પર ઘણું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ આરબીઆઈના વિદેશી ચલણ એકત્ર કરવાના પગલાંથી ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં ઊભું છે. ગવર્નરે જણાવ્યું કે થાપણો અને વિવિધ ઉપાયો દ્વારા સરકારે લગભગ ૩૨ બિલિયન એકત્ર કર્યા છે. જોકે, હેવેલ્સ અને ટાટા કન્ઝ્યુમર જેવી કંપનીઓ દ્વારા હોમ એપ્લાયન્સિસ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓમાં કરાયેલા ભાવવધારાને કારણે ટૂંકા ગાળામાં સ્થાનિક દબાણ રહેશે. તેમ છતાં, આરબીઆઈના તટસ્થ વલણ અને ફુગાવાના નીચા અંદાજથી ભારતીય બજારમાં નવી આશાનો સંચાર થયો છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
