News of Wednesday, 5th August 2026
અયોગ્ય આતિથ્ય ટાળોઃ લોકોના દિલ જીતોઃ વિપક્ષ સામે સંયમ જાળવો
‘ચાય પે ચર્ચા' પર પીએમ મોદીનો સાંસદોને ગુરુમંત્રઃ સંસદમાં હાજરીથી લઈને લેટરહેડના દુરુપયોગ સુધી જાહેર જીવનમાં શુચિતા અને સાવધાની જાળવવાનો આપ્યો સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હી, તા.૫: સાંસદો સાથેના પોતાના અનૌપચારિક સંપર્ક અભિયાનને આગળ ધપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના ૩૭ સાંસદો સાથે ચાય પે ચર્ચા અને નાસ્તાની બેઠક યોજી હતી. દિલ્હીના રાજકીય ગલિયારામાં સામાન્ય રીતે યોજાતી ગંભીર સમીક્ષા બેઠકો કરતા આ મુલાકાત તદ્દન ભિન્ન અને પારિવારિક માહોલમાં યોજાઈ હતી. પીએમ મોદીએ સાંસદોને સંબોધતા અત્યંત ગંભીર ચેતવણી આપી હતી કે જાહેર જીવનમાં એક નાની ભૂલ પણ નેતાની છબી ધૂળધાણી કરી શકે છે. તેમણે તમામ સાંસદોને કોઈપણ પ્રકારની અયોગ્ય કે અજાણી આતિથ્ય સ્વીકારવાથી દૂર રહેવા અને પોતાના સત્તાવાર લેટરહેડ તથા હસ્તાક્ષર ખોટા હાથમાં ન જાય તે માટે ભારે સાવચેતી વર્તવા કડક સલાહ આપી હતી.
આ બેઠકમાં ભાજપમાં નવસર્જિત કે અન્ય પક્ષોમાંથી સામેલ થયેલા સાંસદો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ પોતે રાજકારણમાં વિતાવેલા દાયકાઓના અનુભવો શેર કરતાં કહ્યું કે, જનતાનો વિશ્વાસ કમાવવામાં વર્ષો નીકળી જાય છે, પરંતુ એક ગેરસમજ કે ભૂલથી તેને ગુમાવવામાં સેકન્ડો જ લાગે છે. તેમણે વિપક્ષી નેતાઓ સાથેના વ્યવહાર અંગે પણ મોટો દ્રષ્ટિકોણ આપતા કહ્યું કે જો કોઈ વિરોધી નેતા ખોટો પ્રચાર કે ટિપ્પણી કરે, તો તેમની સાથે સામસામે અથડામણ કરવાને બદલે તર્ક અને પ્રેમથી સંવાદ સાધીને તેમને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. રાજકારણ માત્ર ચૂંટણી જીતવાનું સાધન નથી, પરંતુ જનતાના દિલ અને મન જીતવાનું માધ્યમ છે.
પીએમ મોદીએ ખાસ કરીને દેશની યુવા પેઢી સાથે સાંસદોનો સીધો સંવાદ વધારવા પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું કે યુવાનોના વિચારો અને તેમની સમસ્યાઓને ધીરજપૂર્વક સાંભળવાથી જ દેશના વિકાસનો સાચો માર્ગ મળશે. આ ઉપરાંત, તેમણે તમામ સાંસદોને સંસદ સત્ર દરમિયાન ગળહમાં નિયમિત હાજરી આપવા અને સંસદીય કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકસભા કે રાજ્યસભામાં માત્ર હાજરી પૂરવી પૂરતી નથી, પરંતુ ક્ષેત્રના પ્રશ્નો અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડો અભ્યાસ કરીને ગળહના કામકાજમાં યોગદાન આપવું એ જ એક આદર્શ જનપ્રતિનિધિની ઓળખ છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
