<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિરુદ્ધ ફેક કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ સામે કોર્ટની લાલ આંખ: બોમ્બે હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વાંધાજનક પોસ્ટ્સ તુરંત હટાવવા આપ્યો આદેશ

ડીપફેક અને બદનક્ષીભરી સામગ્રી અંગે હાઈકોર્ટની સખત ટિપ્પણી: "અશ્લીલ અને ઝેર ફેલાવતી પોસ્ટ્સને જાહેર પ્લેટફોર્મ પર કોઈ સ્થાન નથી, કંપનીઓ પોતાની મેળે આવી પોસ્ટ્સ કેમ નથી હટાવતી?"

મુંબઈ: તા.05: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને તેમના પરિવારને લક્ષ્ય બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલી બદનક્ષીભરી અને અશ્લીલ પોસ્ટ્સ અંગે બોમ્બે હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. બુધવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રીને વચગાળાની મોટી રાહત આપતા મેટા, એક્સ (ટ્વિટર) અને ગૂગલ જેવા અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગડકરી વિરુદ્ધની તમામ બદનક્ષીભરી, અપમાનજનક અને ડીપફેક (Deepfake) સામગ્રીને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ આરિફ ડોક્ટરની સિંગલ બેન્ચે આ મામલે સુનાવણી કરતી વખતે સખત શબ્દોમાં અવલોકન કર્યું હતું કે, "આ પ્રકારની પોસ્ટ્સ અત્યંત ઘૃણાસ્પદ, અપમાનજનક અને અશ્લીલ છે. જે પ્લેટફોર્મ દેશના યુવાનો સહિત તમામ લોકો માટે ઉપલબ્ધ હોય, ત્યાં ઝેર ફેલાવતી આવી વાંધાજનક સામગ્રીને જરાય સ્થાન ન હોવું જોઈએ." આ સાથે જ કોર્ટે ડિજિટલ પ્લેટફોર્મ્સની ટેકનોલોજી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, વિવાદિત કે અભદ્ર કન્ટેન્ટ અપલોડ થતાં જ તેને આપમેળે ટ્રેક કરીને કાઢી નાખવાની કોઈ સ્વચાલિત સિસ્ટમ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે કેમ નથી?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા દાખલ કરવામાં આવેલા આ દાવામાં તેમણે પોતાની અને પરિવારની છબી ખરાબ કરવા બદલ વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની, ભવિષ્યમાં તેના પ્રસાર પર કાયમી મનાઈહુકમ લાવવાની અને ₹૧૧ કરોડના નુકસાનસહિત વળતરની માંગ કરી છે. દાવા મુજબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક દ્વારા બનાવવામાં આવેલા વિડીયો અને પોસ્ટ્સમાં એવો તદ્દન ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે ગડકરી પરિવારને કેન્દ્ર સરકારના E20 ઇથેનોલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામથી નાણાકીય ફાયદો થયો છે. ગડકરીના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વાજબી ટીકા રોકવા નથી માંગતા પરંતુ ફેક અને બદનક્ષીભર્યા કન્ટેન્ટ સામે કાનૂની કાર્યવાહી અનિવાર્ય હતી. મેટા અને ગૂગલે આવી તમામ ઓળખાયેલી સામગ્રી હટાવવા સંમતિ દર્શાવી છે.

(4:10 PM IST)