<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

નાના કરદાતાઓ માટે કેન્દ્ર સરકારની મોટી રાહત યોજના: વિદેશી બેંક ખાતા અને સંપત્તિ જાહેર કરવા મળશે વિશેષ 'વન-ટાઇમ' વિન્ડો; કાળા નાણાં કાયદાના દંડથી બચવાની સુવર્ણ તક

૧૫ ઓગસ્ટથી FAST-DS 2026 સ્કીમ શરૂ થવાની શક્યતા: ₹૧ કરોડ સુધીની વિદેશી આવક અને ₹૫ કરોડ સુધીની વિદેશી સંપત્તિ ધરાવતા કરદાતાઓને ભૂલો સુધારવા ૩૧ ડિસેમ્બર સુધીનો સમય મળશે

નવી દિલ્હી: તા.05: અજાણતા કે ભૂલથી ટેક્સ રિટર્નમાં પોતાની વિદેશી સંપત્તિ કે વિદેશી બેંક ખાતાઓની વિગતો જાહેર કરવાનું ચૂકી ગયેલા ભારતીય કરદાતાઓ માટે કેન્દ્ર સરકાર એક અત્યંત રાહતજનક યોજના લાવવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, સરકાર આગામી ૧૫ ઓગસ્ટથી નિવાસી કરદાતાઓ માટે 'સ્મોલ ટેક્સપેયર્સ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ' (FAST-DS), ૨૦૨૬ ની ઔપચારિક જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ કરદાતાઓને કોઈ પણ કડક કાનૂની કાર્યવાહી કે ભારે દંડ વિના પોતાની ભૂતકાળની ભૂલો સ્વેચ્છાએ સુધારવા માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવશે.
આ વિશેષ સ્કીમ મુખ્યત્વે મધ્યમ અને નાના કરદાતાઓને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી મોટા કાળા નાણાં ધારકો આનો અયોગ્ય લાભ ન ઉઠાવી શકે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ માત્ર એવા જ કેસો આવરી લેવાશે જેમાં અઘોષિત વિદેશી આવક ₹૧ કરોડ સુધીની હોય અથવા વિદેશી સંપત્તિનું મૂલ્ય ₹૫ કરોડ સુધીનું હોય. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રમાણિક કરદાતાઓને પારદર્શક રીતે પોતાની વિદેશી કમાણી અને હોલ્ડિંગ્સની સાચી માહિતી સરકાર સમક્ષ રજૂ કરવાની નવી તક આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીના બજેટ ભાષણમાં આ યોજનાની જાહેરાત કરી હતી. વર્તમાન કાળા નાણાં અધિનિયમ (Black Money Act) ના સખત નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની વિદેશી સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળ જાય, તો તેને બિન-રિપોર્ટિંગના દરેક વર્ષ માટે સંપત્તિ દીઠ ₹૧૦ લાખ સુધીનો ભારે દંડ થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ તાજેતરમાં જ ૨૫,૦૦૦ થી વધુ કરદાતાઓને વિદેશી સંપત્તિ ન દર્શાવવા બદલ ઉચ્ચ જોખમી શ્રેણીમાં ચિહ્નિત કર્યા હતા, જે બાદ સરકારનો આ નિર્ણય લાખો કરદાતાઓ માટે આશ્વાસનરૂપ સાબિત થશે.

(4:11 PM IST)