તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 5th August 2026
અમેરિકામાં કામ કરતા ભારતીય IT પ્રોફેશનલ્સ માટે મોટા ઝટકા સમાન ખબર: H-1B અને L-1 વિઝા એક્સટેન્શન બનશે વધુ મોંઘા; ટ્રમ્પ સરકાર લાવવા જઈ રહી છે નવો આકરો નિયમ
9/11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક ફી લાગુ થવાથી વિઝા રિન્યૂ કરાવવાનો ખર્ચ આસમાને પહોંચશે: એમેઝોન, ટીસીએસ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓના બજેટ પર પડશે ભારે આર્થિક બોજ

વોશિંગ્ટન: તા.05: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ના તાજેતરના રેગ્યુલેટરી એજન્ડા અનુસાર, હવે H-1B અને L-1 વર્ક વિઝાના એક્સટેન્શન (નવીકરણ) માટેની તમામ પિટિશન પર પણ 9/11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ફી ફરજિયાતપણે લાગુ કરવા માટેનો આખરી નિયમ લાવવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી વિદેશી કુશળ કામદારો પર નિર્ભર રહેતી અમેરિકન અને વૈશ્વિક કંપનીઓનો ઇમિગ્રેશન ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે.
વર્તમાન નિયમો મુજબ, જે કંપનીઓમાં ૫૦થી વધુ કર્મચારીઓ છે અને તેમાંના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ H-1B કે L-1 વિઝા પર છે, તેમણે પ્રારંભિક ફાઇલિંગ વખતે વધારાની ફી ચૂકવવી પડતી હતી. પરંતુ હવે નવા પ્રસ્તાવ મુજબ તમામ પ્રકારના વિઝા એક્સટેન્શન પર પણ આ વધારાનો બોજ પડશે. આ ફેરફારની સૌથી વ્યાપક અને માઠી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડવાની છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના આંકડા સાક્ષી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં મંજૂર થયેલી કુલ H-1B અરજીઓમાંથી ૭૧ ટકા અરજીઓ ચાલુ રોજગારના એક્સટેન્શન માટે હતી, જેમાં અંદાજે ૭૭.૬ ટકા મંજૂરીઓ માત્ર ભારતીય નાગરિકોના ફાળે આવી હતી.
આ નવા ફી વધારાના કારણે એમેઝોન, ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એપલ અને ભારતીય દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ (TCS) જેવી અગ્રણી વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓના નાણાકીય બજેટ પર ભારે ભારણ વધશે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના રિપોર્ટ અનુસાર, એમેઝોન અને ટીસીએસ જેવી કંપનીઓમાં હજારો રિન્યુઅલ અરજીઓ દર વર્ષે મંજૂર થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આ નવા પગલાથી અમેરિકામાં નોકરી કરતા અને વિઝા રિન્યૂ કરાવવાની રાહ જોતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
