<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

યુપી વિધાનસભામાં ભારે હોબાળા બાદ અધ્યક્ષ સતીશ મહાના થયા અત્યંત ભાવુક: "શું હું આ પદ માટે લાયક છું? ટૂંક સમયમાં જ લેવાઈ શકે છે મોટો નિર્ણય"

વિપક્ષી ધારાસભ્યોના વર્તન અને અભદ્ર ભાષાથી દુઃખી થઈને સ્પીકરે વ્યક્ત કરી ઊંડી વેદના: બાબા સાહેબ આંબેડકરના વિચારોને ટાંકીને રાજીનામાના આપ્યા સંકેત

લખનૌ: તા.05: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે હંગામા અને હોબાળા બાદ ગૃહના અધ્યક્ષ (સ્પીકર) સતીશ મહાના આજે ગૃહમાં કાર્યવાહી દરમિયાન અત્યંત ભાવુક અને હતાશ દેખાયા હતા. છેલ્લા સાડા ચાર વર્ષથી વિધાનસભાની ગરિમા અને લોકશાહીના મૂલ્યો જાળવવાનો પ્રયાસ કરી રહેલા સ્પીકરે દુઃખી હૃદયે જણાવ્યું હતું કે મંગળવારે ગૃહમાં જે ઘટનાઓ બની અને જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો તેનાથી તેમને ભારે આઘાત લાગ્યો છે. હવે તેમને આત્મનિરીક્ષણ કરવાની જરૂર લાગી રહી છે કે તેઓ આ ગરીમામય પદ પર રહેવા માટે યોગ્ય છે કે નહીં, અને તેઓ ટૂંક સમયમાં જ આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
ગૃહને સંબોધિત કરતા સતીશ મહાનાએ કહ્યું કે, "લોકશાહીમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંવાદ, સંમતિ અને મતભેદ બંધારણનો જ એક ભાગ છે. વિપક્ષ માત્ર સરકારની પ્રશંસા કરવા માટે નહીં પરંતુ જનતાના પ્રશ્નો ઉઠાવવા આવે છે અને મેં હંમેશા વિપક્ષના આ અધિકારનું સન્માન કર્યું છે. પરંતુ ગઈકાલે મારા વારંવારના ઇનકાર છતાં ગૃહની અંદર અને મારી ચેમ્બરની બહાર જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે અત્યંત નિંદનીય છે. જે ધારાસભ્યને ગૃહમાં રોલ મોડેલ માનવામાં આવે છે, તેમના આચરણથી મને સૌથી વધુ આઘાત પહોંચ્યો છે."
પોતાના સંબોધનમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના વિચારોને ટાંકીને તેમણે ઉમેર્યું કે, "બાબાસાહેબે કહ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ ખામી સર્જાશે તો તે બંધારણમાં નહીં પણ તેને ચલાવનારા લોકોમાં હશે. આજે મને લાગે છે કે કદાચ મારી જ પ્રયાસોમાં કોઈ ખામી રહી ગઈ છે." પોતાની લાંબી રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં હોવાનો ઉલ્લેખ કરતા સ્પીકરે સ્પષ્ટ કર્યું કે તેઓ આ પદ પર રહીને વિધાનસભાના સન્માનનો બદલો આપવા માંગતા હતા, પરંતુ ગઈકાલની ઘટનાથી તેમનું મન અત્યંત દુભાયું છે અને તેઓ ટૂંક સમયમાં પોતાના ભવિષ્ય અંગે આખરી નિર્ણય જાહેર કરશે.

(4:12 PM IST)