<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

CBI ની આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી કાર્યવાહી: ₹૮૮ કરોડના કૌભાંડની ભાગેડુ વિશાખા રાઠોડ UAE થી દેશનિકાલ, પુણે પહોંચતા જ મહારાષ્ટ્ર પોલીસે લીધી કસ્ટડીમાં

દુબઈ ભાગી ગયેલી 'રેડ નોટિસ' ની વોન્ટેડ આરોપીને ભારત લવાઈ: ઈન્ટરપોલ, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત ઓપરેશનથી મળી સફળતા

પુણે: તા.05: કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડી આચરીને વિદેશ ભાગી ગયેલી ભાગેડુ મહિલા આરોપી વિશાખા રાઠોડ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને બહુ મોટી સફળતા મળી છે. ઇન્ટરપોલની 'રેડ નોટિસ' હેઠળ વોન્ટેડ વિશાખા રાઠોડને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી દેશનિકાલ (Deported) કરાવીને ૩ ઓગસ્ટના રોજ ભારત પરત લાવવામાં આવી છે. વિમાન પુણે એરપોર્ટ પર લેન્ડ થતાં જ અગાઉથી તૈયાર મહારાષ્ટ્ર પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ની ટીમે તેણીને કસ્ટડીમાં લઈ લીધી હતી. CBI એ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે મજબૂત રાજદ્વારી સંકલન સાધીને આ મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.

મૂળ અમરાવતીની વતની અને પુણેના રવેત વિસ્તારમાં રહેતી વિશાખા રાઠોડ તેના પતિ અવિનાશ અર્જુન રાઠોડ સાથે મળીને બાનેરમાં 'APS વેલ્થ વેન્ચર્સ LLP' નામની કંપની ચલાવતી હતી. આ દંપતીએ રોકાણકારોને માસિક નિશ્ચિત અને આકર્ષક વળતરની ખોટી લાલચ આપીને વિવિધ યોજનાઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ઔપચારિક કરારો કર્યા હોવા છતાં, કોઈને પણ વળતર કે મૂળ રકમ પરત આપવામાં આવી ન હતી. એપ્રિલ ૨૦૨૩ માં નોંધાયેલી એફઆઈઆર મુજબ, આ દંપતીએ આશરે ₹૮૮ કરોડનું મોટું રોકાણ કૌભાંડ આચરીને રકમ વિવિધ બેંક અને ડીમેટ ખાતાઓમાં ડાયવર્ટ કરી દીધી હતી. આ કેસનો માસ્ટરમાઇન્ડ અને વિશાખાનો પતિ અવિનાશ રાઠોડ અગાઉ જ દુબઈથી પ્રત્યાર્પણ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બંને આરોપીઓ વિદેશ ભાગી જતાં ઇન્ટરપોલ દ્વારા રાઠોડ સામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 'રેડ નોટિસ' જારી કરવામાં આવી હતી. ભારતમાં ઇન્ટરપોલની નોડલ એજન્સી તરીકે કામ કરતી CBI એ યુએઈના અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવીને વિશાખાની ધરપકડ સુનિશ્ચિત કરી હતી. હાલમાં આરોપી વિશાખા રાઠોડને પુણે પોલીસના હવાલે કરવામાં આવી છે, જ્યાં તેની કડક પૂછપરછ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય ગુના કરીને વિદેશ ભાગી જનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

 

(4:20 PM IST)