<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો: પાકિસ્તાન ગભરાઈને યુદ્ધવિરામ માટે કરગરી રહ્યું હતું, પરંતુ ભારતે જાણીજોઈને વિલંબ કર્યો

પાકિસ્તાનના ૧૧ સૈન્ય ઠેકાણા અને એરબેઝ તબાહ કર્યા બાદ જ ભારતે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો: સરહદ પાર કર્યા વિના જ પાકિસ્તાની સૈન્યની કમર તોડી નાખી હોવાનો દાવો

નવી દિલ્હી: તા.05: ભારતના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ (CDS) જનરલ અનિલ ચૌહાણે 'ઓપરેશન સિંદૂર' ને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યના ભયાનક જવાબી હુમલાઓથી ગભરાઈને પાકિસ્તાને ૧૦ મે, ૨૦૨૫ ની સવારે જ DGMO હોટલાઈન દ્વારા ભારતનો સંપર્ક કરીને તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) ની વિનંતી કરી હતી. પરંતુ ભારતે પોતાના લશ્કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે પાકિસ્તાનને બપોર સુધી રાહ જોવડાવી હતી અને ત્યારબાદ જ યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હતો.

એક મીડિયા કાર્યક્રમમાં બોલતા જનરલ અનિલ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાને જ્યારે સવારે સંપર્ક કર્યો ત્યારે ભારતે આયોજિત કરેલા અડધાથી વધુ હુમલાઓ હજુ બાકી હતા. ભારતીય દળો પોતાનું લક્ષ્ય પૂરું કર્યા વિના યુદ્ધ અટકાવવા માંગતા ન હતા. ૯ મે ના રોજ પાકિસ્તાન એવા બડાશ મારી રહ્યું હતું કે તેઓ ૪૮ કલાકમાં ભારતને પાઠ ભણાવશે, પરંતુ ૯ મે ની રાતથી લઈને ૧૦ મે ની બપોર સુધીમાં ભારતીય વાયુસેના અને સૈન્યએ સરહદ પાર કર્યા વિના જ પાકિસ્તાનની અંદર ૧૧ જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓ, એરબેઝ, રડાર સ્ટેશનો અને હેંગરો પર તોફાની હુમલા કરીને તેમના અનેક ફાઈટર જેટ્સને તબાહ કરી નાખ્યા હતા.

જનરલ ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાન એવું માની રહ્યું હતું કે દિલ્હી પર હુમલો વધારવાનો ડર બતાવીને તેઓ બચી જશે, પરંતુ ભારતના આક્રમક વલણે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું હતું. આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે તેમનું કોઈપણ સૈન્ય ઠેકાણું ભારતીય શસ્ત્રોની પહોંચથી બહાર નથી. યુદ્ધભૂમિ પર ભારતીય સૈન્યની વાસ્તવિક ક્ષમતા અને ચોક્કસ આયોજનને કારણે જ પાકિસ્તાનને આખરે યુદ્ધવિરામની ભીખ માંગવી પડી હતી.

 

(4:35 PM IST)