News of Wednesday, 5th August 2026
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવનારાઓ માટે RBI ના નવા નિયમો: જાણો ૧ ઓક્ટોબરથી તમારા વ્યાજ દર અને ડિપોઝિટ પર શું થશે સીધી અસર
બલ્ક ડિપોઝિટ અને વ્યાજ દરોમાં પારદર્શિતા વધારવા કેન્દ્રીય બેંકનો મહત્વનો નિર્ણય: હવે દેશની તમામ શાખાઓમાં સમાન રકમની FD પર મળશે એકસરખું વ્યાજ

મુંબઈ: તા.05: જો તમે પણ સુરક્ષિત રોકાણ તરીકે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવાનું પસંદ કરો છો, તો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમો વિશે જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે. રિઝર્વ બેંક દ્વારા FD સંબંધિત લાવવામાં આવેલા નવા નિયમો બાદ સામાન્ય રોકાણકારોના મનમાં એ સવાલ ઊભો થયો છે કે શું ૧ ઓક્ટોબરથી ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ દરોમાં કોઈ મોટો વધારો કે ફેરફાર થશે? જોકે, RBI ના સ્પષ્ટ સંકેતો મુજબ આ નવા નિયમોનો મુખ્ય હેતુ વ્યાજ દરો વધારવાનો નહીં પરંતુ બેંકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.
RBI એ બેંકોને બલ્ક ડિપોઝિટ (મોટી રકમની થાપણો) પર તેમની જરૂરિયાત મુજબ અલગ-અલગ વ્યાજ દર નક્કી કરવાની ચોક્કસ છૂટ આપી છે, પરંતુ તેનાથી સામાન્ય ગ્રાહકોની નાની કે મધ્યમ FD પર વ્યાજ આપોઆપ વધી જશે નહીં. સૌથી મોટો ફેરફાર દેશભરમાં વ્યાજ દરોની સમાનતાનો જોવા મળશે. નવા નિયમો મુજબ, હવે જો કોઈ ગ્રાહક દિલ્હીની કોઈ બેંક શાખામાં ₹૫ લાખની FD કરાવે છે, તો તેને તે જ દિવસે તે જ બેંકની મુંબઈ, અમદાવાદ કે લખનૌ શાખામાં તે જ રકમ પર બિલકુલ સમાન વ્યાજ દર મળશે. બેંકો હવે અલગ-અલગ શાખાઓમાં સમાન થાપણો પર જુદા જુદા વ્યાજ દરો આપી શકશે નહીં.
આ ઉપરાંત, તમામ બેંકોએ હવે દરરોજ સવારે તેમની અધિકૃત વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટના વ્યાજ દરો સ્પષ્ટપણે જાહેર કરવા પડશે, જેનાથી ગ્રાહકો માટે વિવિધ બેંકોના દરોની સરખામણી કરવી અત્યંત સરળ બની જશે. જ્યાં સુધી FD ના વ્યાજ દર વધવાની વાત છે, ત્યાં સુધી RBI ના નવા નિયમોમાં દર વધારવા અંગે કોઈ ફરજિયાત આદેશ નથી. દેશની બેંકો પોતાની નાણાકીય જરૂરિયાત, બજારની પ્રવાહિતા (Liquidity) અને ફંડિંગ ખર્ચના આધારે જ પહેલાની જેમ વ્યાજ દરો નક્કી કરવાનું ચાલુ રાખશે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
