<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના જેલવાસના ૩ વર્ષ પૂરા થતાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો: પીટીઆઈના ૨૦ થી વધુ કાર્યકરોના મિયાંવાલીમાંથી કડક ધડપકડ

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ન્યાયી ટ્રાયલ અને માનવાધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી: પેશાવરમાં જેલમુક્તિની માંગ સાથે બહેનોના નેતૃત્વમાં પ્રદર્શન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને જેલમાં ૩ વર્ષ પૂરા થવાના પ્રસંગે સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૩ થી ભ્રષ્ટાચારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ૭૩ વર્ષીય ઇમરાન ખાનની મુક્તિ માટે બુધવારે દેશના વિવિધ પ્રાંતોમાં પીટીઆઈ કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જોકે પંજાબ, સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સ્થાનિક તંત્ર દ્વારા પરવાનગી નકારવામાં આવી હોવા છતાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના પરિણામે પોલીસે કડક કાર્યવાહી કરીને ઇમરાન ખાનના વતન મિયાંવાલીમાંથી ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

બીજી તરફ, પીટીઆઈ શાસિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવર આ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું, જ્યાં ઇમરાન ખાનની બહેનોના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન કરી ભૂતપૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક જેલમુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જેલવાસ દરમિયાન ઇમરાન ખાનને પરિવારજનો સાથેની મુલાકાતથી વંચિત રાખવામાં આવ્યા છે અને યોગ્ય તબીબી સારવાર પણ આપવામાં આવી નથી.

દરમિયાન, વૈશ્વિક માનવાધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ ઇમરાન ખાનની જેલની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એમ્નેસ્ટીના દક્ષિણ એશિયાના કાર્યકારી પ્રાદેશિક નિર્દેશક ઇસાબેલ લેસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનને ન્યાયી ટ્રાયલના અધિકારથી વંચિત રાખ્યા છે અને તેમને લાંબા સમય સુધી એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ડિસેમ્બર ૨૦૨૫ થી ઇમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને નિયમિત કાનૂની સલાહ અને પરિવારની મુલાકાતથી વંચિત રાખવામાં આવ્યા છે, જે માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

(6:15 PM IST)