<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

કાનપુરમાં જીવલેણ નકલી મસાલા રેકેટનો પર્દાફાશ: હળદરના એકપણ ગાઠિયા વગર ચોખા અને ઝેરી કલરથી બનતો હતો હળદર પાવડર, ફૂડ સેફ્ટી વિભાગના દરોડા

'પીતાંબરા એન્ટરપ્રાઇઝ' પર ત્રાટકી ટીમ: ધાણા-મરચામાં પણ ભેળસેળ, ₹૫.૮૬ લાખનો માલ જપ્ત કરીને ફેક્ટરીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા એક ભયાનક અને જીવલેણ મસાલા કૌભાંડનો દરોડો પાડીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટ વિભાગે પનકી વિસ્તારના ઇસ્પાત નગર ખાતે આવેલી ‘પીતાંબરા એન્ટરપ્રાઇઝ’ નામની ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ દૈનિક રસોડામાં વપરાતા હળદર, ધાણા અને મરચા પાવડરમાં કરવામાં આવતી ગંભીર ભેળસેળ પકડી પાડીને અંદાજે ₹૫.૮૬ લાખની કિંમતનો શંકાસ્પદ અને નકલી જથ્થો સીઝ કર્યો છે.

ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે જ્યારે ફેક્ટરી પરિસરમાં તપાસ શરૂ કરી ત્યારે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આખી ફેક્ટરીમાં હળદરનો એકપણ સાબુત ગાઠિયો હાજર નહોતો, છતાં પણ મોટા પાયે હળદર પાવડરનું ઉત્પાદન અને પેકિંગ ધમધમી રહ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે ફેક્ટરી સંચાલકો ચોખાના ઝીણા ટુકડા કરીને તેમાં પીળા રંગનું અત્યંત ઝેરી કેમિકલ લિક્વિડ ઉમેરીને હૂબહૂ હળદર જેવો જ પાવડર તૈયાર કરતા હતા. માત્ર હળદર જ નહીં, પરંતુ મરચા પાવડરને આકર્ષક લાલ રંગ આપવા માટે તેમાં ‘રાસ્પબેરી રેડ કલર’ નો ઉપયોગ કરવામાં આવતો હતો.

સહાયક કમિશનર સંજય પ્રતાપ સિંહે આ ગંભીર બેદરકારી સામે કડક વલણ અપનાવતા ફેક્ટરીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે અને તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. દરોડા દરમિયાન અધિકારીઓએ ૭૭ બેગ ચોખા, ૪૨ બેગ નકલી હળદર પાવડર, ધાણા-મરચા પાવડર તથા લિક્વિડ કલર સહિત કુલ ૬ નમૂનાઓ એકત્ર કરીને પબ્લિક એનાલિસ્ટ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ખાદ્ય સુરક્ષા અધિકારીઓની ટીમે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(6:46 PM IST)