News of Wednesday, 5th August 2026
માર્ક ઝુકરબર્ગે ભૂલો સ્વીકારી માફી માંગી : મેટાનું 'સેફ હાર્બર' કાનૂની કવચ છીનવાઈ જવાનો મોટો ખતરો
ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પ્લેટફોર્મ પર ફેલાતા ડીપફેક્સ, બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી અને અલ્ગોરિધમની ગંભીર ભૂલો અંગે સત્તાવાર રીતે દિલગીરી વ્યક્ત કરવામાં આવી: સરકારે સ્પષ્ટ કર્યું કે અલ્ગોરિધમિક સામગ્રી પ્રમોશનના કારણે મેટા આઇટી કાયદા હેઠળ કાનૂની સુરક્ષાનો દાવો કરી શકશે નહીં

નવી દિલ્હી : સોશિયલ મીડિયા જાયન્ટ મેટા અને ભારત સરકાર વચ્ચેનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતિ ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના ઉચ્ચ અધિકારીઓ અને સંસદીય સમિતિ સાથેની બે દિવસીય મહત્વપૂર્ણ બેઠકમાં, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની ગ્લોબલ લીડરશિપ ટીમે પ્લેટફોર્મ પર હાનિકારક સામગ્રી, ડીપફેક્સ અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) ના પ્રસાર બદલ સત્તાવાર રીતે દિલગીરી વ્યક્ત કરી છે. કંપનીએ સ્વીકાર્યું છે કે અલ્ગોરિધમ પ્રોસેસિંગ અને કન્ટેન્ટ મોડરેશનમાં મોટી ક્ષતિઓ રહી ગઈ હતી, અને કેટલીક ખાસ શ્રેણીઓની સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ પણ મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠક દરમિયાન ભારત સરકારે મેટા સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેને IT એક્ટ હેઠળ 'સેફ હાર્બર' કાનૂની સુરક્ષાનો લાભ મળશે નહીં. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મેટા હવે માત્ર એક નિષ્ક્રિય ડિજિટલ મધ્યસ્થી નથી રહી, કારણ કે તેના પોતાના અલ્ગોરિધમ્સ નક્કી કરે છે કે કઈ સામગ્રી કયા યુઝરને બતાવવી કે ફોરવર્ડ કરવી. આથી, જો પ્લેટફોર્મ પર ગેરકાયદેસર કે હાનિકારક સામગ્રી પ્રસારિત થશે, તો મેટા સીધી રીતે કાનૂની જવાબદારી અને કાર્યવાહી માટે પાત્ર બનશે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા સુધારા અંગેના સોશિયલ મીડિયા વિડિયો/રીલને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ દ્વારા અચાનક હટાવી દેવાના મુદ્દે સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ માર્ક ઝુકરબર્ગને વ્યક્તિગત રીતે માફી માંગવા માટે સમયમર્યાદા આપી છે. મેટા દ્વારા આ ઘટનાને ટેકનિકલ ગ્લીચ (ટેકનિકલ ખામી) ગણાવવામાં આવી હતી, જેને સરકારે અપર્યાપ્ત ગણાવી ફગાવી દીધી છે. ભારતની સંસદીય સમિતિના આ આકરા વલણથી ગ્લોબલ બિગ-ટેક કંપનીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
