News of Wednesday, 5th August 2026
બેંગલુરુમાં મકાનોના ભાવ આસમાને પહોંચતા આઈટી પ્રોફેશનલ્સ અને મધ્યમ વર્ગ લાચાર
ટેક સિટીમાં જમીનના ભાવમાં 300% સુધીના જંગી ઉછાળા અને ₹1 કરોડથી નીચા ફ્લેટ સંપૂર્ણપણે ગાયબ થવાના કારણે નોકરીયાત વર્ગ પોતાના ઘરનું સ્વપ્ન છોડી અન્ય શહેરો તરફ વળ્યો : સોશિયલ મીડિયા પર વધતા હાઉસિંગ ક્રાઈસિસ અંગે યુવાનોનો ભારે આક્રોશ

બેંગલુરુ : ભારતનું 'સિલિકોન વેલી' ગણાતું બેંગલુરુ શહેર હાલમાં ઇતિહાસના સૌથી મોટા રિયલ એસ્ટેટ સંકટ અને તેજીમાંથી પસાર થઈ રહ્યું છે. શહેરમાં મિલકતોના ભાવ એટલી ઝડપે વધ્યા છે કે મુખ્ય વિસ્તારોમાંથી ₹૧ કરોડથી ઓછી કિંમતના ફ્લેટ લગભગ ગાયબ થઈ ગયા છે. છેલ્લા ૫ થી ૬ વર્ષમાં જમીનના ભાવોમાં ૩૦૦% નો અકલ્પનીય ઉછાળો નોંધાયો છે, જેની સામે કર્મચારીઓની આવકમાં તેટલી વૃદ્ધિ થઈ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શંકર નામના યુઝરની વાયરલ પોસ્ટ અનુસાર, બેંગલુરુના સારા વિસ્તારમાં સામાન્ય ૨BHK ફ્લેટની કિંમત પણ હવે ₹૧.૪ થી ₹૧.૮ કરોડથી શરૂ થઈ રહી છે.
આ આસમાને પહોંચેલા ભાવોના કારણે સોફ્ટવેર એન્જિનિયરો અને મધ્યમ-સ્તરના પ્રોફેશનલ્સ માટે દર મહિને ₹૮૦,૦૦૦ થી ₹૧.૧ લાખ સુધીનો ભારેખમ EMI ભરવો પડે છે, જે તેમના ટેક-પગારનો અડધાથી વધુ હિસ્સો સ્વાહા કરી જાય છે. આજની યુવા પેઢી પોતાના માતાપિતા કરતાં ઘણું વધુ કમાતી હોવા છતાં, વધતી આવક અને પ્રોપર્ટીના ભાવો વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે ઘર ખરીદવું એ હવે માત્ર એક અપ્રાપ્ય સ્વપ્ન બની ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું બેંગલુરુ શહેર શાંતિથી તેના જ વર્કિંગ ક્લાસ અને ટેલેન્ટને પોતાના જ વિસ્તારોમાંથી બહાર ધકેલી રહ્યું છે?
આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો પૂર આવ્યો છે, જ્યાં લોકો બેંગલુરુ જ નહીં પરંતુ મૈસુરુ જેવા નજીકના શહેરોની પણ ચિંતાજનક સ્થિતિ વર્ણવી રહ્યા છે. યુઝર્સના જણાવ્યા મુજબ મૈસુરુમાં પણ એક સાદો ૩૦x૪૦ નો પ્લોટ ₹૧.૫ કરોડ સુધી વેચાઈ રહ્યો છે. નિષ્ણાતો અને સ્થાનિક લોકોનું માનવું છે કે જો બેંગલુરુ ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે વિસ્તરણ નહીં કરે, તો શહેર પરનું આ દબાણ અસહ્ય બની જશે અને લોકો હવે ઘર ખરીદવા માટે હૈદરાબાદ, પુણે કે ટીયર-૨ શહેરો તરફ ફંટાઈ રહ્યા છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
