<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ઈરાનમાં અસંમતિનો અવાજ દબાવવા મૃત્યુદંડનો ભયાનક ઉપયોગ: યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે માર્ચથી ફાંસીની સજામાં થયેલા મોટા ઉછાળા સામે વ્યક્ત કરી ગંભીર ચિંતા

રાષ્ટ્રીય સુરક્ષાના નામે ૫૬ લોકોને આપી દેવાઈ ફાંસી, ૧૦૦ થી વધુ પર લટકતી તલવાર: વિરોધ પ્રદર્શકો અને જાસૂસીના વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે આકરા પ્રહાર

જીનિવા : ઈરાનમાં શાસન સામે વિરોધ દર્શાવતા નાગરિકો અને અસંમતિના અવાજોને દબાવવા માટે મૃત્યુદંડનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો આરોપ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે લગાવ્યો છે. 'યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ' (OHCHR) દ્વારા જારી કરાયેલી સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, ૧૯ માર્ચથી અત્યાર સુધીમાં ઈરાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આરોપો હેઠળ ઓછામાં ઓછા ૫૬ લોકોને ફાંસી આપવામાં આવી છે. વોલ્કર તુર્કે ઈરાની સત્તાવાળાઓને તમામ ફાંસીની સજાઓ પર તાત્કાલિક રોક લગાવીને મૃત્યુદંડની જોગવાઈ સંપૂર્ણપણે નાબૂદ કરવા આહ્વાન કર્યું છે.

યુએનના અહેવાલ અનુસાર, ફાંસી આપવામાં આવેલા ૫૬ વ્યક્તિઓમાંથી ૨૭ લોકો વર્ષની શરૂઆતમાં દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા હતા, જ્યારે અન્ય ૧૦૦ થી વધુ લોકો પર સમાન આરોપો હેઠળ મૃત્યુદંડનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, ડ્રગ સંબંધિત ગુનાઓમાં પણ ફાંસીનો દર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વોલ્કર તુર્કે ઈરાનમાં ન્યાયી સુનાવણી અને યોગ્ય કાનૂની પ્રક્રિયાના સતત અભાવ અંગે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે કથિત રીતે ત્રાસ આપીને જબરદસ્તીથી કબૂલાતનામા મેળવવામાં આવે છે અને માત્ર ત્રણ કલાકની બંધ બારણાની સુનાવણીમાં ૧૨ પ્રતિવાદીઓને એકસાથે મૃત્યુદંડની સજા સંભળાવી દેવાય છે, જે માનવ ગૌરવ અને જીવવાના મૂળભૂત અધિકાર પર સીધો પ્રહાર છે.

બિન-સરકારી સંગઠન 'ઈરાન હ્યુમન રાઈટ્સ' (IHR) ના અહેવાલો મુજબ, ઈરાની સત્તાવાળાઓ પ્રાદેશિક લશ્કરી સંઘર્ષોની આડમાં આ કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. તાજેતરમાં ઓગસ્ટના પ્રારંભમાં પણ ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા 'મોસાદ' માટે જાસૂસી કરવાના આરોપસર ઓમિદ બેહઝાદ અને પોરિયા સફ્વત નામના બે વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી હતી. બીજી તરફ, ઈરાનની પ્રખ્યાત એવિન જેલમાંથી જેલવાસ ભોગવી રહેલા સુધારાવાદી રાજકારણી મુસ્તફા તાજઝાદેહે ખુલ્લો પત્ર લખીને ફાંસીની આ કાર્યવાહીને "આગ સાથે રમવા" સમાન ગણાવી છે અને ચેતવણી આપી છે કે આનાથી રાજ્ય અને સમાજ વચ્ચેનું અંતર વધશે તથા દેશ ફરીથી પારસ્પરિક હિંસાના ચક્રમાં ધકેલાઈ જશે.

 

(7:20 PM IST)