News of Wednesday, 5th August 2026
અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં ૧૫ ઓગસ્ટ ‘ભારત દિવસ’ તરીકે જાહેર: ભારતીય સમુદાયના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતી ગવર્નર મૌરા હીલીની ઐતિહાસિક ઘોષણા
બોસ્ટનના મેયર મિશેલ વુએ પણ જારી કરી સમાન જાહેરાત: બોસ્ટનમાં નવા ભારતીય કોન્સ્યુલેટના ઉદઘાટન અને ભારતીય સંસ્કૃતિનું કરાયું ભવ્ય સન્માન

વોશિંગ્ટન : યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ રાજ્યના ગવર્નર મૌરા હીલીએ ૧૫ ઓગસ્ટને સત્તાવાર રીતે "ભારત દિવસ" (India Day) તરીકે જાહેર કર્યો છે. આ ખાસ ઘોષણા દ્વારા રાજ્યના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના અમૂલ્ય યોગદાનની સરાહના કરવામાં આવી છે. ગવર્નર હીલીએ રાજ્યના તમામ નાગરિકોને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ભારત તેના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રના નિર્માણનો ઐતિહાસિક દિવસ છે.
મેસેચ્યુસેટ્સના આ પગલાને અનુસરીને બોસ્ટનના મેયર મિશેલ વુએ પણ ૧૫ ઓગસ્ટને "ભારત દિવસ" જાહેર કરતી સમાન ઘોષણા જારી કરી છે. મેયર વુએ બોસ્ટન શહેરમાં નવા ભારતીય કોન્સ્યુલેટના ઉદઘાટનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને SAILBOSTON-250 કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજ INS સુદર્શિનીની મુલાકાતને બિરદાવી હતી. આ ઘોષણાઓમાં નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ૩.૬ કરોડથી વધુ ભારતીયો વિદેશમાં વસે છે, જેમાંથી ૫૦ લાખથી વધુ ભારતીય મૂળના લોકો એકલા અમેરિકામાં રહીને તેના શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, તબીબી ક્ષેત્ર, વ્યવસાય અને જાહેર સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.
ગવર્નર મૌરા હીલીએ જારી કરેલા પત્રમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા અને પ્રાચીન સભ્યતાના વારસાને પણ બિરદાવ્યો છે. મેસેચ્યુસેટ્સમાં કાર્યરત વિવિધ ભારતીય-અમેરિકન સંગઠનો દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી દ્વારા નાગરિક જોડાણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરસ્પર સમઝણને પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ભારતીય સમુદાયે કોમનવેલ્થના સાંસ્કૃતિક અને આર્થિક માળખાને વધુ સમૃદ્ધ બનાવ્યું છે, જેના સન્માનરૂપે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
