News of Wednesday, 5th August 2026
ગ્રાહકોના ‘જાણવાના અધિકાર’ અંગે સુપ્રીમ કોર્ટનું મહત્વનું વલણ: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અલ્ટીમેટમ આપતા ૬ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ
દુકાનો અને વેપારીઓએ હવે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે નોંધણી વિગતો: ગ્રાહકોને છેતરપિંડી અને અનૈતિક શોષણથી બચાવવા દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી

નવી દિલ્હી : દેશમાં ખરીદી કરતા ગ્રાહકોના "જાણવાના અધિકાર" (Right to Know) ને મજબૂત બનાવવા અને ઉત્પાદનોની ગુણવત્તા, શુદ્ધતા તેમજ વેચાણકર્તાઓની વિગતો પ્રદર્શિત કરવા માટે દાખલ કરવામાં આવેલી મહત્વપૂર્ણ અરજી પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે પોતાનો સત્તાવાર જવાબ દાખલ કરવા માટે છ અઠવાડિયાનો આખરી સમય આપ્યો છે.
અરજદાર અશ્વિની કુમાર ઉપાધ્યાય અને એડવોકેટ અશ્વની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી આ જાહેર હિતની અરજીમાં માગણી કરવામાં આવી છે કે, દરેક વિતરક, વેપારી, ડીલર અને દુકાનદારે પોતાના પ્રતિષ્ઠાનના પ્રવેશદ્વાર પર એક મોટું બોર્ડ લગાવવું જોઈએ. આ બોર્ડ પર તેમનું નામ, સરનામું, જીએસટી/નોંધણી નંબર, ફોન નંબર અને કર્મચારીઓની સંખ્યા જેવા મહત્વપૂર્ણ ખુલાસા સ્પષ્ટ અને બોલ્ડ અક્ષરોમાં લખેલા હોવા જોઈએ. આમ કરવાથી ગ્રાહક કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતી વખતે યોગ્ય અને સભાન નિર્ણય લઈ શકશે.
સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અવારનવાર વેપારીઓ કે વિતરકો ખોટા ઉત્પાદનો વેચીને અથવા પૈસાની લેવડદેવડ કરીને અદ્રશ્ય થઈ જાય છે, જેના કારણે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ દાખલ કરવી મુશ્કેલ બને છે. ગ્રાહકોને અન્યાયી વેપાર પ્રથાઓ અને અનૈતિક શોષણથી બચાવવા માટે માલ અને સેવાઓની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા અને કિંમત જાણવી તેમનો મૂળભૂત અધિકાર છે. હરિયાણા, પંજાબ અને બિહાર જેવા જૂજ રાજ્યો સિવાય અન્ય રાજ્યોએ હજુ સુધી જવાબ આપ્યો ન હોવાથી કોર્ટે ૬ અઠવાડિયાનો સમય આપી મામલાની સુનાવણી ત્રણ મહિના પછી મુલતવી રાખી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
