<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

બાંગ્લાદેશ ભારત માટે ‘બીજું પાકિસ્તાન’ બની ગયું છે: શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે દેશમાં પાકિસ્તાની ISI ની વધતી સક્રિયતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

વિરોધ પ્રદર્શનોના મૃત્યુઆંક અંગે UN ના આંકડા પર સજીબ વાઝેદે વ્યક્ત કરી શંકા: વિરોધીઓને કાનૂની મુક્તિ આપવા અને વચગાળાની સરકારના પગલાંની આકરી ટીકા

નવી દિલ્હી : બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે એક આકરા નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત માટે પૂર્વીય સરહદે "બીજું પાકિસ્તાન" બની ગયું છે. સાઉથ એશિયાના ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ (FCC) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વાઝેદે ભારતની સુરક્ષા ચિંતાઓ અંગે ગંભીર ચેતવણી આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશમાં હાલમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સહિતની વિદેશી એજન્સીઓને ખુલ્લો દોર મળી ગયો છે, જે ભારત માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

સજીબ વાઝેદે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન બાંગ્લાદેશમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં નોંધાયેલા મૃત્યુઆંક સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આપવામાં આવેલા ૧,૪૦૦ મૃત્યુના આંકડા અને તત્કાલીન સરકારના ૮૦૦ ના આંકડા વચ્ચેના વિરોધાભાસ તરફ ધ્યાન દોરતા પૂછ્યું હતું કે, "આ વધારાના ૬૦૦ લોકો કોણ છે અને યુએનને આ નામો ક્યાંથી મળ્યા?" તેમણે ઉમેર્યું હતું કે યુએન પાસે વારંવાર નામોની યાદી માંગવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જે આંકડાઓની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે.

વધૂમાં તેમણે મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, સરકારે વિરોધીઓને હિંસા અને પોલીસ કર્મચારીઓની હત્યાઓ માટે સંપૂર્ણ કાનૂની મુક્તિ (Indemnity) આપતો વટહુકમ પસાર કર્યો હતો, જે માનવ અધિકારો અને તમામ શિષ્ટાચારના ધોરણોની વિરુદ્ધ છે. ઓગસ્ટ ૨૦૨૪ થી અત્યાર સુધીમાં આવામી લીગના હજારો નેતાઓ અને કાર્યકરોને યોગ્ય કાનૂની પ્રક્રિયા કે જામીન વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શેખ હસીનાના સંબંધિત કાર્યક્રમ સાથે ભારત સરકારને કોઈ લેવાદેવા નથી.

(8:05 PM IST)