તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 5th August 2026
ન્યાયતંત્રમાં ઐતિહાસિક ફેરફાર: રાજ્યસભામાં 'સુપ્રીમ કોર્ટ સુધારા બિલ ૨૦૨૬' પસાર : હવે સુપ્રીમ કોર્ટમાં ૩૪ નહીં પરંતુ ૩૮ જજ કામ કરશે
વધતા જતા કામના બોજ અને હજારો પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો રસ્તો સાફ : ચીફ જસ્ટિસ સૂર્યકાંતની વિનંતી બાદ પીએમ મોદીની આગેવાની હેઠળ લાવવામાં આવેલ વટહુકમ હવે કાયમી કાયદો બન્યો

નવી દિલ્હી : દેશના સર્વોચ્ચ ન્યાયાલયની કામગીરીને વધુ ઝડપી અને સુલભ બનાવવા માટે સંસદે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યસભાએ 'સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ, ૨૦૨૬' ને સર્વાનુમતે પસાર કરી દીધું છે. આ બિલ લોકસભામાં પહેલાથી જ મંજૂર થઈ ચૂક્યું હતું, જેથી હવે સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નવા કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી સંખ્યા વર્તમાન ૩૪ થી વધારીને ૩૮ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં કરવામાં આવેલો આ પ્રથમ મોટો વધારો છે.
ગૃહમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં દરરોજ દાખલ થતી નવી અરજીઓ અને પડતર કેસોના વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. દર વર્ષે નોંધાતા કેસોની સંખ્યા અને નિકાલ દર વચ્ચે લગભગ ૧૦,૦૦૦ કેસોનું મોટું અંતર જોવા મળતું હતું, જેના કારણે ફોજદારી અને બંધારણીય અપીલો વર્ષો સુધી અટકેલી રહેતી હતી. ન્યાયતંત્ર પરના આ અસહ્ય ભારણને ઘટાડવા અને સામાન્ય જનતાને ઝડપી ન્યાય અપાવવા માટે ન્યાયાધીશોની સંખ્યા વધારવી સમયની માગ હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે મે ૨૦૨૬માં આ પ્રસ્તાવને મંજૂરી આપીને વટહુકમ બહાર પાડ્યો હતો, જેનું સ્થાન હવે આ નવો કાયદો લેશે. સુપ્રીમ કોર્ટમાં ૫ નવા ન્યાયાધીશોની નિમણૂક સાથે જ સૌથી જૂના પેન્ડિંગ સિવિલ અને ક્રિમિનલ કેસોની તાત્કાલિક સુનાવણી માટે ચાર વિશેષ બેન્ચ બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આ નિર્ણયથી દેશના ન્યાયિક માળખામાં નવો પ્રાણ પૂરાશે અને કેસોનો નિકાલ ઝડપથી થશે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
