<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

રાજદ્વારી દેખાવો અને આંતરિક વિખવાદ: વૈશ્વિક શાંતિ મંત્રણાના દાવાઓ વચ્ચે ભારે સંકટોમાં ઘેરાયેલું પાકિસ્તાન

મધ્ય પૂર્વથી લઈને ચીન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી બનવાના હવાતિયાં મારતું ઇસ્લામાબાદ આર્થિક કંગાળી : સેનાનું કડક શાસન અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પોતાની આંતરરાષ્ટ્રીય છબી બચાવવા મજબૂર બન્યું

ઇસ્લામાબાદ:   "વિભાજિત ઘર ક્યારેય ટકી શકતું નથી" – અબ્રાહમ લિંકનનું આ પ્રખ્યાત કથન હાલમાં પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિ પર તદ્દન સચોટ બેસે છે. ઇસ્લામાબાદ વૈશ્વિક મંચ પર પોતાને એક મોટા મુત્સદ્દી અને મધ્યસ્થ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ દેશનો પોતાનો પાયો જર્જરિત થઈ ચૂક્યો છે. મધ્ય પૂર્વમાં શાંતિ મંત્રણાઓથી લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે સંતુલન જાળવવાના દાવા કરતી પાકિસ્તાન સરકાર આંતરિક રીતે કંગાળ અર્થતંત્ર, ગંભીર રાજકીય અસ્થિરતા, પાણીની ભયાનક અછત, અલગતાવાદી આંદોલનો અને આતંકવાદના ખૌફ નીચે કચડાઈ રહી છે.

પાકિસ્તાનની વાસ્તવિક સત્તા લોકશાહી સરકાર પાસે નહીં પરંતુ રાવલપિંડી સ્થિત સૈન્ય મુખ્યમથકમાં આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના હાથમાં છે. સેના માત્ર સંરક્ષણ જ નહીં પરંતુ દેશની આંતરિક નીતિઓથી લઈને વિદેશ નીતિ સુધી એક સમાંતર સરકાર ચલાવી રહી છે. એક વર્ષ પહેલા ભારત સામેના તણાવ અને આતંકવાદ મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાને વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવા ચીન અને અમેરિકા બંને સામે હાથ ફેલાવ્યા હતા. જોકે, પોતાના દેશમાં ચાલી રહેલા આંતરિક અસંતોષને છુપાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિદૂત બનવાનો આ નકામો પ્રયાસ હવે ખુલ્લો પડી ગયો છે.

ભારતની આતંકવાદ સામેની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને કડક વલણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અલગ-થલગ કરી દીધું છે. એક તરફ PoK, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા જેવા વિસ્તારોમાં જનતા શેરીઓમાં ઉતરીને પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ વહિવટીતંત્ર વિદેશી પત્રકારો પર આકરા નિયંત્રણો લાદીને સત્ય છુપાવવા મથી રહ્યું છે. આંતરિક સંકટોથી ઘેરાયેલું પાકિસ્તાન વિશ્વ સમક્ષ ગમે તેટલા રાજદ્વારી નાટકો કરે, પણ તેની આંતરિક બળવાખોરી અને આર્થિક પતન હવે તેના અસ્તિત્વ સામે જ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી રહ્યા છે.

(8:21 PM IST)