News of Wednesday, 5th August 2026
ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય: સક્રિય સેનામાં ફરજ બજાવતા જવાનોના પરિવારો પર ઈમિગ્રેશન વિભાગ ત્રાટક્યો, ડઝનબંધ સગાં- સંબંધીઓની કરી અટકાયત
અમેરિકી ઇતિહાસમાં પ્રથમ વાર સૈનિકોના માતા-પિતા અને જીવનસાથીઓને દેશનિકાલ કરવાની કામગીરી: લશ્કરી કર્મચારીઓમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ

વોશિંગ્ટન : ટ્રમ્પ વહીવટીતંત્રે તેમના બીજા કાર્યકાળમાં ઈમિગ્રેશન નીતિઓને અત્યંત કડક બનાવતા યુએસ આર્મીમાં સક્રિય ફરજ બજાવતા જવાનોના પરિવારો સામે મોટો દંડૂકો ઉગાામ્યો છે. એક બહુચર્ચિત તપાસ અહેવાલ અનુસાર, વહીવટીતંત્રે દેશની સુરક્ષામાં ખડેપગે રહેતા ૫૦ થી વધુ સૈનિકોના માતા-પિતા અને જીવનસાથીઓની અટકાયત કરી છે. જેમાં ઓછામાં ઓછા છ સ્વજનોને પહેલેથી જ દેશનિકાલ (ડિપોર્ટ) કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ સગાંઓ હાલ ફેડરલ કસ્ટડીમાં કેદ છે.
દાયકાઓથી ચાલી આવતી પરંપરા અને બંને મુખ્ય રાજકીય પક્ષોની નીતિઓ હેઠળ અમેરિકી સેવા સભ્યોના પરિવારજનોને દેશનિકાલમાંથી કાનૂની રક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ એપ્રિલ ૨૦૨૫ માં અમલમાં આવેલી નવી નીતિ બાદ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે સૈનિકોના પરિવારો જ્યારે કાનૂની દરજ્જો મેળવવા માટે ઈમિગ્રેશન એપોઇન્ટમેન્ટ્સ કે ઇન્ટરવ્યુમાં હાજરી આપે છે, ત્યારે જ તેમની અટકાયત કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ આ પગલાંનો બચાવ કરતા કહ્યું છે કે, માત્ર લશ્કરી સેવા આપવાથી કોઈને કાયદાકીય મુક્તિ કે આપોઆપ ઈમિગ્રેશન સ્ટેટસ મળી જતું નથી.
આ નીતિગત ફેરફારના કારણે દેશ માટે લડતા સૈનિકોના અંગત જીવનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જવાનોને તેમની વિદેશી તૈનાતી મુલતવી રાખવી પડી રહી છે અથવા નાના બાળકોની સંભાળ રાખવા માટે રજાઓ લેવાની ફરજ પડી રહી છે. ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ અને કાનૂની નિષ્ણાતોએ આ પગલાંને અત્યંત આઘાતજનક ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, દેશની સરહદો સાચવતા સૈનિકો પોતાની ફરજ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે હવે પોતાના પરિવારની સુરક્ષા અને પત્ની કે માતા-પિતાને દેશનિકાલમાંથી બચાવવાની ચિંતામાં મુકાઈ ગયા છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
