News of Wednesday, 5th August 2026
વિદેશમાં ભારતીયો પર વધી રહેલા નફરતી હુમલા અને હત્યાઓ અંગે સંસદમાં ચિંતા: ભાજપના સાંસદ અશોક મિત્તલે ‘વિદેશી નાગરિક સુરક્ષા કાયદો’ લાવવા કરી આક્રમક માંગ
૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન વિદેશમાં ભારતીયોના મૃત્યુના આંકડામાં નોંધપાત્ર વધારો: કાનૂની મદદ, નાણાકીય સહાય અને કોન્સ્યુલર સપોર્ટ માટે મજબૂત માળખું રચવા રજૂઆત

નવી દિલ્હી : વિદેશોમાં વસતા ભારતીય નાગરિકો પર સતત વધી રહેલા વંશીય હુમલાઓ, નફરતના ગુનાઓ અને શંકાસ્પદ સંજોગોમાં થઈ રહેલી હત્યાઓ અંગે રાજ્યસભામાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપના સાંસદ અશોક મિત્તલે રાજ્યસભામાં 'ખાસ ઉલ્લેખ' (Special Mention) દરમિયાન કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાની સુરક્ષા અને સમર્થનને વધુ મજબૂત કરવા માટે તાત્કાલિક ધોરણે એક સમર્પિત 'વિદેશી નાગરિક સુરક્ષા કાયદો' (Overseas Citizens Security Act) પસાર કરવામાં આવે.
સંસદમાં સત્તાવાર આંકડા ટાંકીને ભાજપના સાંસદે જણાવ્યું હતું કે વિદેશમાં અસામાન્ય સંજોગોમાં મૃત્યુ પામેલા ભારતીયોની સંખ્યા ૨૦૨૧ માં ૨૯ હતી, જે વધીને ૨૦૨૩ માં ૮૬ સુધી પહોંચી ગઈ છે. આ ચોંકાવનારો વધારો ભારતીયો સામે વધી રહેલી હિંસક માનસિકતા દર્શાવે છે. તેમણે યુએસએના યુટાહમાં હૈદરાબાદના સૈયદ સોહેલ ઉદ્દીન પર થયેલો વંશીય હુમલો, લંડનના હેયસમાં ૨૪ વર્ષીય શીખ મહિલા કિરણદીપ કૌરની હત્યા, યુએસએ અને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ મૃત્યુ તેમજ યુકે અને આયર્લેન્ડમાં શીખ સમુદાય અને ભારતીય પરિવારો પર થયેલા જાતિવાદી હુમલાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ મિત્તલે માંગ કરી હતી કે નવા કાયદા હેઠળ વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને તાત્કાલિક કાનૂની સહાય, નાણાકીય મદદ અને મજબૂત કોન્સ્યુલર સપોર્ટ આપવા માટે એક મજબૂત સંસ્થાકીય વ્યવસ્થા ઊભી થવી જોઈએ. જ્યારે વિદેશમાં આવી દુઃખદ ઘટનાઓ બને છે ત્યારે ભારતમાં રહેતા તેમના પરિવારોને અજાણી કાનૂની પ્રક્રિયાઓ અને ભારે નાણાકીય બોજનો સામનો કરવો પડે છે. આપણો ડાયસ્પોરા વિશ્વમાં ભારતની સાચી ઓળખ છે અને તેમની સુવિધાઓ તથા સન્માનની રક્ષા કરવી એ દેશની રાષ્ટ્રીય જવાબદારી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
