News of Thursday, 6th August 2026
ઈડીએ ૫ વર્ષમાં ૪,૬૦૦થી વધુ કેસ નોંધ્યા પણ સજા માત્ર ૪૩માં
‘તપાસ' અને ‘ટ્રાયલ'માં વિલંબનું કારણ શું? : ૧,૨૪૩ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે માત્ર ૪૩ કેસમાં આરોપ સાબિત થયા

નવી દિલ્હી,તા.૬: દેશમાં મની લોન્ડરિગ અને આર્થિક ગુનાઓ સામે સતત કાર્યવાહી કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કામગીરી પર સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓએ સવાલો ઊભા કર્યા છે. દેશમાં જ્યારે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડે છે એવા સમયે સૌથી વધુ ચર્ચા એ કેસની થાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એજન્સી સૌથી વધારે ચર્ચિત એજન્સીમાં રહી છે. મની લોન્ડરિગના કેસમાં તથા આર્થિક ગુના સાથે જાડાયેલા કેસની તપાસમાં સતત નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી, પણ સંસદમાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડામાંથી એક અલગ ચિત્ર રજૂ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ એજન્સીએ ૪,૬૨૨ કેસ નોંધ્યા હતા, જ્યારે ૨,૪૪૪ કેસમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી.
૧,૨૪૩ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે માત્ર ૪૩ કેસમાં આરોપ સાબિત થયા છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે, ૧૦૪ આરોપીને જે તે કેસ અંતર્ગત સજા મળી છે. મંગળવારે સરકારે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, ૩૦ જૂન સુધી ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ અંતર્ગત સ્પેશ્યલ કોર્ટમાં ૨,૪૪૪ ફરિયાદ દાખલ કરી છે.
આ કેસમાં અલગ અલગ ચરણમાં કેસ હજુ તપાસ અંતર્ગત છે. સરકારે એ પણ વાત સ્પષ્ટ કરી કે, હાલમાં જે અંડરટ્રાયલ કેદી છે એનો સેન્ટ્રલ ડેટાસોર્સ પ્રાપ્ય નથી. કારણ કે, ઘણા કેસમાં મુખ્ય ધરપકડ કોઈ અન્ય તપાસ એજન્સીએ કરી હોય છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ઈડીએ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧,૧૧૬ કેસ નોંધાયા હતા. ૨૦૨૨-૨૩માં ૯૫૩, ૨૦૨૩-૪માં ૬૯૮, ૨૦૨૪-૨૫માં ૭૭૫ અને ૨૦૨૫-૨૬માં ૧૦૮૦. આનાથી પાંચ વર્ષના સમયગાળામાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા ૪,૬૨૨ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ (ITD) એ આ સમયગાળા દરમિયાન ૨,૧૨૭ કેસ દાખલ કર્યા હતા.
સરકારના જણાવ્યા મુજબ, ED એ ૨૦૨૧-૨૨ માં ૩, ૨૦૨૨-૨૩ માં ૯, ૨૦૨૩-૨૪ માં ૧૩, ૨૦૨૪-૨૫માં ૯ અને ૨૦૨૫-૨૬માં ૯ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કુલ ૪૩ કેસોમાં ૧૦૪ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ દરમિયાન, આવકવેરા વિભાગના કેસોની વાત કરીએ તો, પાંચ વર્ષના સમયગાળામાં ૨૩૩ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે ૮૫૪ કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દોષિત ઠેરવવામાં આવેલા કે નિર્દોષ જાહેર કરવામાં આવેલા કેસમાં જરૂરી નથી કે, તે જ વર્ષમાં નોંધાયેલા હોય, કારણ કે ન્યાયિક ચુકાદા ઘણીવાર વર્ષો પછી આવે છે. પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસોની તપાસ અનેક સ્તરે થાય છે. પ્રથમ, ઇડી તેની તપાસ પૂર્ણ કરે છે ત્યાર બાદ ખાસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરે છે. ત્યારબાદ, એક લાંબી ન્યાયિક પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં આરોપો ઘડવામાં આવે છે, સાક્ષીઓની જુબાનીઓ રેકોર્ડ કરવામાં આવે છે દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે અને અંતિમ ચુકાદો આપવામાં આવે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં કેસ વર્ષો સુધી ટ્રાયલ હેઠળ રહે છે, જેના પરિણામે દોષિત ઠેરવવાનો દર ઓછો રહે છે
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
