<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ડાર્ક પેટર્ન્‍સ પર સરકારની કડક કાર્યવાહીઃ ૯ ડિજિટલ પ્‍લેટફોર્મને દંડ

ઓનલાઇન ખરીદી, બુકિંગ કે કોર્સ દરમિયાન છુપા ચાર્જ ઉમેરવા, ઓટો-સિલેક્‍ટ દાન લેવું અને ભાવનાત્‍મક કે ડર પેદા કરતા મેસેજ દર્શાવવા બદલ દંડાત્‍મક પગલાં લેવાયા

નવી દિલ્‍હી, તા.૬: ઓનલાઈન શોપિંગ કે ટિકિટ બુકિંગ કરતી વખતે અંતિમ પેજ પર પહોંચતા જ વધી જતું બિલ અને અજાણતા ઉમેરાઈ જતા ચાર્જીસથી પરેશાન ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્‍યા છે. ડિજિટલ દુનિયામાં ગ્રાહકોને ગુમરાહ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક વધુ પૈસા પડાવતી ડાર્ક પેટર્ન ચલાવતી કંપનીઓ સામે સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટી એ લાલ આંખ કરી છે. ગ્રાહકો સાથે થતી આ ચાલબાજી અને છેતરપિંડી રોકવા માટે સરકારે Zepto, BookMyShow, Physics Wallah, IndiGo, FirstCry અને PharmaEasy સહિત દેશની ૯ જાણીતી કંપનીઓ પર ભારે દંડ ફટકારીને કડક કાર્યવાહી કરી છે.

કંપનીઓની અવનવી કાનૂની અને મનોવૈજ્ઞાનિક ચાલબાજીઓ હવે ઉઘાડી પડી ગઈ છે. ક્‍વિક કોમર્સ એપ Zeptં ગ્રાહકોને શરૂઆતમાં ઓછી કિંમત બતાવી અંતિમ પેજ પર હેન્‍ડલિંગ અને મેમ્‍બરશિપ ફી ઉમેરી દેતી હતી, જેથી તેને રૂ.૭ લાખનો દંડ થયો છે. તો બીજી તરફ Physics Wallah ગ્રાહકો પાસેથી આપમેળે રૂ.૧૦ નું દાન ઉમેરીને ભાવનાત્‍મક મેસેજ દ્વારા રોકવાનો પ્રયાસ કરતું હોવાથી રૂ.૫ લાખનો દંડ ભોગવવો પડ્‍યો છે. આ સિવાય BookMyShow દ્વારા અજાણતા ચેરિટી બિલ ઉમેરવું અને IndiGo દ્વારા ના, હું જોખમ લઈશ જેવા ડરામણા શબ્‍દો વાપરી વધારાની સેવાઓ વેચવા જેવી યુક્‍તિઓ સામે પણ સરકારે આકરા પગલાં ભરી ટિકિંગ સિસ્‍ટમ બદલવાના નિર્દેશ આપ્‍યા છે.

સરકારના આ માસ્‍ટરસ્‍ટ્રોક બાદ હવે FirstCry, SpiceJet, McAfee અને PharmEasy જેવી કંપનીઓને પણ ગ્રાહકોને છેતરતા હિડન ચાર્જિસ, બનાવટી અર્જન્‍સી ટાઈમર અને બળજબરીપૂર્વકના સબ્‍સ્‍ક્રિપ્‍શન તરત જ બંધ કરવા આદેશ આપવામાં આવ્‍યો છે. ડિજિટલ યુગમાં થતી આ અદ્રશ્‍ય લૂંટ સામે સરકારે લાલબત્તી ધરી દીધી છે, પરંતુ ગ્રાહકોએ પણ પેમેન્‍ટ કરતા પહેલા બિલનો એક-એક રૂપિયો ચકાસવો જરૂરી છે. જો કોઈ એપ હજુ પણ આવી ગેરરીતિ કરતી જણાય, તો ગ્રાહક ગ્રાહક મંચમાં સીધી ફરિયાદ નોંધાવી શકે છે.

(3:17 PM IST)