News of Thursday, 6th August 2026
લખીમપુર ખેરી હિંસા કેસ: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, જામીનની શરતોમાં રાહત આપવાની અરજી ફગાવી!
દિકરીના જન્મદિવસ જેવા કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપવા વતન જવાની પરવાનગી માંગવામાં આવી હતી; CJI ની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું- 'અરજી પર વિચાર કરવાનો કોઈ આધાર નથી'.

નવી દિલ્હી: તા.૦૬: ૨૦૨૧ના ચકચારી લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી ભારે નિરાશા સાંપડી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આશિષ મિશ્રાની જામીન શરતોમાં વધુ છૂટછાટ આપવાની અને કૌટુંબિક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે તેના વતન જવાની પરવાનગી માંગતી અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. સુનાવણી દરમિયાન આશિષ મિશ્રાના વકીલે રજૂઆત કરી હતી કે જામીનની કડક શરતો અને પ્રતિબંધોના કારણે મિશ્રા તેમની પુત્રીઓના જન્મદિવસ જેવા મહત્વપૂર્ણ કૌટુંબિક પ્રસંગોમાં પણ હાજરી આપી શકતા નથી. પરંતુ આ દલીલને ફગાવતા CJI એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હાલના તબક્કે આ વિનંતી પર વિચાર કરવા માટે કોઈ વ્યાજબી આધાર નથી.
સાક્ષીઓને બાદ કરવા અંગે પ્રશાંત ભૂષણની ચિંતા
સુનાવણી દરમિયાન પીડિત ખેડૂતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ટ્રાયલ પ્રક્રિયાની ઝડપ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે નીચલી અદાલતમાં કેસની કાર્યવાહી ખૂબ જ ઉતાવળમાં ચલાવવામાં આવી રહી છે, જેના કારણે સમન્સ મળ્યાના બીજા જ દિવસે હાજર ન થઈ શકનારા મુખ્ય સાક્ષીઓને સાક્ષીઓની યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે કથિત રીતે ધમકી પામેલા સાક્ષીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા આપી સલાહ
પ્રશાંત ભૂષણની રજૂઆતો પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કયા સાક્ષીઓ કેસ માટે કેટલા મહત્વપૂર્ણ છે તે નક્કી કરવાનો યોગ્ય મંચ ગૌણ (ટ્રાયલ) અદાલત જ છે. CJI એ જણાવ્યું કે અરજદારે પહેલા નીચલી કોર્ટનો સંપર્ક કરવો જોઈએ અને ત્યાં સમજાવવું જોઈએ કે આ સાક્ષીઓની જુબાની કેસના કયા પાસાઓ માટે જરૂરી છે.
શું હતો સમગ્ર લખીમપુર ખેરી હિંસા કેસ?
ઉલ્લેખનીય છે કે ૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ટીકુનિયા ખાતે ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક એસયુવી (SUV) કારે ખેડૂતોને કચડી નાખ્યા હતા, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ફાટી નીકળેલી હિંસામાં ડ્રાઈવર, બે ભાજપ કાર્યકરો અને એક પત્રકારનું પણ મોત નીપજ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩માં નીચલી અદાલતે આશિષ મિશ્રા સહિત ૧૨ આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપો ઘડ્યા હતા.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
