<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

PoKના નાગરિકોની ભારતીય નાગરિકતાને લઈને મોટો ખુલાસો: ભારત સરકારના સત્તાવાર કાનૂની વલણ મુજબ PoKના રહેવાસીઓ વિદેશી નહીં પરંતુ ભારતીય જ છે!

બંધારણીય રીતે PoK અવિભાજિત જમ્મુ-કાશ્મીરનો અભિન્ન ભાગ હોવાથી નાગરિકતા માટે અલગથી અરજી કરવાની જરૂર નથી; કાયદેસર પ્રવેશ અને ઓળખની ચકાસણી બાદ મળે છે દસ્તાવેજો.

નવી દિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ત્યાંના રહેવાસીઓની ભારતીય નાગરિકતાને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. ભારત સરકારના સ્પષ્ટ અને સત્તાવાર વલણ અનુસાર, PoKનો આખો પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે, અને આ જ કારણસર ત્યાંના મૂળ રહેવાસીઓને અન્ય વિદેશી દેશોના નાગરિકોની જેમ 'વિદેશી શરણાર્થી' ગણવામાં આવતા નથી. કાનૂની અને બંધારણીય દૃષ્ટિએ તેઓ સૈદ્ધાંતિક રીતે ભારતના જ નાગરિક છે.

સામાન્ય ઇમિગ્રેશન પ્રક્રિયાથી વિપરીત, PoKના નાગરિકોએ ભારતીય નાગરિકતા મેળવવા માટે કોઈ નવી કે અલગ અરજી કરવાની આવશ્યકતા રહેતી નથી. જો કે, વ્યવહારિક દૃષ્ટિએ ભારતીય દસ્તાવેજો અને નાગરિક સુવિધાઓ મેળવવા માટે વ્યક્તિએ ભારતમાં કાયદેસર રીતે પ્રવેશ કરવો પડે છે અને વહીવટી તંત્ર સમક્ષ પોતાની ઓળખ તથા વંશાવળી સાબિત કરવી પડે છે. અરજદારે એ પુરવાર કરવું પડે છે કે તેઓ કે તેમના પૂર્વજો અવિભાજિત જમ્મુ અને કાશ્મીરના મૂળ નિવાસી હતા.


નાગરિકતા રદ થવા અંગેના નિયમો અને શરણાર્થીઓનો ઇતિહાસ
નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૯(૧) હેઠળ જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે અથવા પાકિસ્તાની પાસપોર્ટ મેળવે, તો કાયદાકીય પ્રક્રિયા અનુસાર તેમનો ભારતીય નાગરિકતાનો દાવો સમાપ્ત થઈ શકે છે. અગાઉ ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧ ના સંઘર્ષો દરમિયાન પાકિસ્તાન નિયંત્રિત વિસ્તારોમાંથી વિસ્થાપિત થઈને જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પરિવારોને પણ ભારતમાં યોગ્ય પુનર્વસન અને કાનૂની અધિકારો આપવામાં આવ્યા છે. સરકારના મતે, આ મામલો સામાન્ય શરણાર્થીઓનો ન હોઈને પોતાના જ દેશના નાગરિકોના હકો સાથે જોડાયેલો છે.

(6:10 PM IST)