News of Thursday, 6th August 2026
અમેરિકામાં ભારતીયો માટે ચિંતાજનક સમાચાર: H-1B અને F-1 વિઝા ધારકો પર ICE ની કડક નજર, એરપોર્ટ્સ પર સઘન ચેકિંગ અને કસ્ટડીના અહેવાલો!
ટ્રમ્પ પ્રશાસન હેઠળ ઇમિગ્રેશન એજન્સીનું મોટું ક્રેકડાઉન; દેશની અંદર હવાઈ મુસાફરી કરતી વખતે ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓએ વધારાની સાવચેતી રાખવી પડશે.

વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરી રહેલા H-1B વિઝા ધારકો અને અભ્યાસ કરતા F-1 વિઝા ધરાવતા ભારતીય નાગરિકો માટે અમેરિકામાં ઘરઆંગણે હવાઈ મુસાફરી કરવી હવે વધુ જોખમી સાબિત થઈ શકે છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ તેના એરપોર્ટ અમલીકરણ નેટવર્કનો વ્યાપ નોંધપાત્ર રીતે વધાર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સમાપ્ત થયેલ વિઝા સ્ટેટસ અથવા પેન્ડિંગ અરજીઓ ધરાવતા વિદેશી નાગરિકો સામે એરપોર્ટ્સ પર સીધી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને પગલે ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક દેશનિકાલ (Deportation) એજન્ડાને પહોંચી વળવા માટે ફેડરલ એજન્સીઓ પર ભારે દબાણ છે. સીએનએન (CNN) ના રિપોર્ટ અનુસાર, ICE એજન્ટોને દરરોજ આશરે ૨,૦૦૦ ધરપકડો કરવાનો વહીવટી ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ કડક અમલીકરણને કારણે હવે અમેરિકામાં રહેતા વિદેશીઓએ પોતાના કાનૂની દસ્તાવેજો સતત સાથે રાખવા જરૂરી બન્યા છે.
૧૫થી વધુ એરપોર્ટ્સ પર ચેક-ઇન કાઉન્ટર પર જ કાર્યવાહી
'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ અને ઇમિગ્રેશન વકીલોએ પુષ્ટિ કરી છે કે ICE એજન્ટોએ તાજેતરના અઠવાડિયામાં અમેરિકાના ઓછામાં ઓછા ૧૫ મુખ્ય એરપોર્ટ્સ પર ચેક-ઇન કાઉન્ટર્સ અને બોર્ડિંગ ગેટ્સ પર વિદેશી નાગરિકોને અટકાયતમાં લીધા છે. સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, ડેનવર, લાસ વેગાસ અને નેશવિલ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર આવી અમલીકરણ પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની છે.
અગાઉની નીતિઓથી મોટો ફેરફાર
ઇમિગ્રેશન ક્ષેત્રના વકીલોનું કહેવું છે કે અગાઉ ICE મુખ્યત્વે એવા લોકોને લક્ષ્ય બનાવતી હતી જેમની સામે આખરી દેશનિકાલના આદેશો જારી થઈ ચૂક્યા હોય. પરંતુ હવે જેમના વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ છે અથવા જેમની સ્ટેટસ લંબાવવાની અરજીઓ હજુ પેન્ડિંગ (અનિર્ણિત) છે, તેમને પણ એરપોર્ટ્સ પર જ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. આ ફેરફારને કારણે H-1B વર્ક વિઝા ધરાવતા આઈટી પ્રોફેશનલ્સ અને F-1 વિઝા પર ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ ઘરેલુ ફ્લાઈટ્સ લેતી વખતે તમામ જરૂરી માન્ય કાગળો સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
