<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અબજો ડોલરના ટ્રેડ ડીલ્સ બાદ ભારત માટે ખરી અગ્નિપરીક્ષા: વિશ્વના બજારો ખુલી ગયા, પણ શું ભારતીય નિકાસકારો વૈશ્વિક કસોટી પર ખરા ઉતરશે?

UAE, ઓસ્ટ્રેલિયા, EFTA અને EU સાથે વેપાર કરારો બાદ હવે કમ્પ્લાયન્સ, ગુણવત્તા અને લોજિસ્ટિક્સ બન્યા સૌથી મોટા પડકારો; MSME સેક્ટર માટે નવા દરવાજા સાથે કડક નિયમોની દીવાલ.

નવી દિલ્હી: ભારતે વિશ્વના સૌથી મોટા અને સમૃદ્ધ બજારોમાં પોતાની પહોંચ બનાવવા માટે વિતેલા વર્ષોમાં સતત પ્રયાસો કર્યા છે અને તેનો ફળશ્રુતિ રૂપે વિદેશી વેપાર નીતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. દેશ હવે માત્ર સ્થાનિક બજારોનું રક્ષણ કરવાને બદલે વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે સક્રિયપણે જોડાઈ રહ્યો છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE), ઓસ્ટ્રેલિયા, યુકે, ઓમાન, EFTA દેશો અને યુરોપિયન યુનિયન (EU) સાથેના મેગા ટ્રેડ કરારો (FTAs) બાદ હવે વાસ્તવિક પડકાર એ છે કે ભારતીય કંપનીઓ આ કરારોનો કેટલો અને કેવી રીતે મહત્તમ લાભ ઉઠાવી શકે છે.

નિષ્ણાતોના મતે માત્ર ટેરિફ લાઈન અથવા ડ્યુટીમાં ઘટાડો કરવાથી નિકાસ વધી જતી નથી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) ના રિપોર્ટ મુજબ, ભારતની માત્ર ૨૦ થી ૩૦ ટકા પાત્ર નિકાસ જ હાલમાં FTA લાભોનો ઉપયોગ કરે છે, જેની સરખામણીએ ભાગીદાર દેશોના નિકાસકારો ૬૦ થી ૭૦ ટકા લાભ મેળવે છે. આ પરિસ્થિતિ બતાવે છે કે ભારતને હવે સોદા કરવાના તબક્કામાંથી બહાર આવીને તેના સફળ અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સખત જરૂર છે.


કમ્પ્લાયન્સ અને ગ્રીન નોર્મ્સ બન્યા નવો મોટો અવરોધ
વિકસિત બજારો ખાસ કરીને યુરોપિયન યુનિયન સાથેના વેપારમાં હવે માત્ર કસ્ટમ ડ્યુટી જ નહીં પરંતુ ટકાઉપણા (Sustainability) ના ધોરણો, કાર્બન રિપોર્ટિંગ અને સપ્લાય-ચેઈન પારદર્શિતા જેવા નિયમો મુખ્ય અવરોધ બની રહ્યા છે. EU ના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) ની સૌથી વધુ અસર ભારતના લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગ પર પડી રહી છે. જાન્યુઆરી ૨૦૨૬ માં CBAM લાગુ થયા બાદ શરૂઆતના ચાર મહિનામાં જ EU ને ભારતની લોખંડ અને સ્ટીલની નિકાસમાં ૧૩% નો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે કમ્પ્લાયન્સમાં નાની ભૂલ પણ મોટા નુકસાનમાં પરિણમી શકે છે.


MSME ક્ષેત્ર અને ઉત્પાદન સ્પર્ધાત્મકતા સુધારવી જરૂરી
ભારતમાં નોંધાયેલા ૧.૫૮ કરોડથી વધુ સાહસોમાંથી માત્ર ૧.૫ લાખ MSME જ હાલમાં નિકાસ સાથે જોડાયેલા છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, ઊંધું ડ્યુટી માળખું (Inverted Duty Structure) પણ સ્થાનિક ઉત્પાદકોને નબળા બનાવી રહ્યું છે, જ્યાં કાચો માલ તૈયાર વસ્તુઓ કરતાં વધુ મોંઘો પડે છે. ચીન અને પાકિસ્તાન જેવા સ્પર્ધકોની સરખામણીએ ભારતીય ઉત્પાદકોને મોંઘા પ્રમાણપત્રો અને પરીક્ષણ સુવિધાઓના અભાવે ૧૫ થી ૨૦ ટકા વધારાનો ખર્ચ ભોગવવો પડે છે.

આગામી પાંચ વર્ષમાં ભારતની આર્થિક સફળતા એ વાત પર નિર્ભર રહેશે કે દેશની લોજિસ્ટિક્સ સુવિધાઓ, મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને ઉત્પાદનની ગુણવત્તા વિશ્વસ્તરીય બને છે કે નહીં, જેથી કરાર દ્વારા ખૂલેલા દરવાજાઓથી ભારતીય નિકાસ ખરેખર નવો ઈતિહાસ રચી શકે.

(6:13 PM IST)