<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

THAAD અને પેટ્રિઅટ મિસાઇલોની ભારે અછત પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ: સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને આપ્યો આકરો ઠપકો, વ્હાઇટ હાઉસે આપવી પડી સ્પષ્ટતા!

ઇરાન સાથે યુદ્ધના ભય વચ્ચે અમેરિકી મિસાઇલ ભંડાર 'ખતરનાક સ્તરે' ખાલી થયાના અહેવાલથી ખળભળાટ; કેમ્પ ડેવિડમાં કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી વચ્ચે બોલાચાલી થયાનો દાવો.

વોશિંગ્ટન : ઈરાન સાથે વધી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પોતાના જ સંરક્ષણ સચિવ (સંરક્ષણ મંત્રી) પીટ હેગસેથ વચ્ચે તીવ્ર મતભેદો અને ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અહેવાલોથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના અત્યંત મહત્વપૂર્ણ મિસાઇલ સ્ટોક અને એર ડિફેન્સ સિસ્ટમમાં મિસાઇલોના ઝડપથી ઘટી રહેલા પુરવઠા અંગે સચોટ માહિતી ન આપવા બદલ ટ્રમ્પે હેગસેથને સખત ઠપકો આપ્યો હતો.

'વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ મુજબ, ગયા સપ્તાહે કેમ્પ ડેવિડ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે હેગસેથ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પનું માનવું હતું કે લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલોની અછત પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ જ્યારે તેમણે વાસ્તવિક સ્ટોક અંગે પૂછપરછ કરી ત્યારે હેગસેથે આ ક્ષતિ માટે પોતાના ડેપ્યુટી સ્ટીફન ફીનબર્ગ તરફ ઈશારો કર્યો હતો. સીએનએન (CNN) ના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ તેની THAAD સિસ્ટમના લગભગ ૮૦% અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર્સના ૫૦% મિસાઇલો વાપરી નાખી છે, જેના કારણે હાલનો સ્ટોક "ખતરનાક રીતે નીચા" સ્તરે પહોંચી ગયો છે.


વ્હાઇટ હાઉસનો ઇનકાર અને ટ્રમ્પનો મીડિયા પર પ્રહાર
રિપોર્ટ વાયરલ થયા બાદ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન બંને તુરંત જ બચાવમાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ અહેવાલોને ૧૦૦% ખોટા ગણાવતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને હેગસેથ પર પૂર્ણ વિશ્વાસ છે. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો "વિશાળ જથ્થો" ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ નવું ઉત્પાદન ચાલુ છે. તેમણે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.


ઈરાન અંગે સ્પષ્ટ વ્યૂહરચનાનો અભાવ?
બીજી તરફ, એનબીસી ન્યૂઝ (NBC News) એ દાવો કર્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઈરાન નીતિને લઈને આંતરિક મતભેદો છે. વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવવો, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવો કે મિસાઈલ ક્ષમતા નષ્ટ કરવી - એમાંથી મુખ્ય પ્રાથમિકતા કઈ હોવી જોઈએ તેને લઈને એકસૂત્રતા નથી. અધિકારીઓનો આંતરિક અસંતોષ દર્શાવે છે કે ઈરાન સાથેની વાટાઘાટો અને સંભવિત યુદ્ધની તૈયારીઓ ટ્રમ્પ માટે ધારવા કરતાં વધુ જટિલ સાબિત થઈ રહી છે.

(6:15 PM IST)