<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મોંઘા પેટ્રોલથી ભારતીયોનો મોહભંગ: કાર બજારમાં ઈલેક્ટ્રિક, CNG અને હાઈબ્રિડ કારની બમ્પર માંગ, જુલાઈ ૨૦૨૬માં વેચાણ ૧૯% વધ્યું!

FADA ના તાજેતરના આંકડા અનુસાર જુલાઈમાં ૪.૧૬ લાખથી વધુ કાર વેચાઈ; મારુતિ સુઝુકી ૩૮.૮૬% માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને યથાવત.

નવી દિલ્હી : ભારતીય પેસેન્જર વાહન બજારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન મોટો ઉછાળો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં વાહનોનું કુલ વેચાણ ૧૯.૧ ટકા વધીને ૪,૧૬,૫૫૫ યુનિટ પર પહોંચી ગયું છે, જે જુલાઈ ૨૦૨૫ માં ૩,૪૯,૬૭૪ યુનિટ હતું. કાર ખરીદદારોના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં મોંઘા પેટ્રોલના વિકલ્પ તરીકે લોકો હવે CNG, ઇલેક્ટ્રિક (EV) અને હાઇબ્રિડ વાહનો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.


પેટ્રોલનો ક્રેઝ ઘટ્યો, ગ્રીન ફ્યુઅલની બોલબાલા
આંકડા મુજબ, પેટ્રોલ કારનો બજાર હિસ્સો જુલાઈ ૨૦૨૫ માં ૪૭.૬૨ ટકા હતો જે ઘટીને જુલાઈ ૨૦૨૬ માં ૪૧.૬૮ ટકા રહી ગયો છે. ડીઝલ વાહનોનો હિસ્સો પણ ઘટીને ૧૭.૭૩ ટકા થયો છે. બીજી તરફ, સસ્તા રનિંગ કોસ્ટ અને મજબૂત રિફ્યુઅલિંગ નેટવર્કને કારણે CNG વાહનોનો હિસ્સો વધીને ૨૪.૬૭ ટકા થઈ ગયો છે. તે જ રીતે, ઇલેક્ટ્રિક વાહનો (EVs) નો બજાર હિસ્સો ગયા વર્ષના ૫.૧૪ ટકાથી વધીને ૭.૯૦ ટકા થયો છે, જ્યારે હાઇબ્રિડ કારનો હિસ્સો ૮.૦૨ ટકા નોંધાયો છે.


બજારમાં મારુતિનો દબદબો, ટાટા અને મહિન્દ્રા વચ્ચે ભારે ટક્કર
કંપનીઓના વેચાણની વાત કરીએ તો, મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ૧,૬૧,૮૭૩ યુનિટના વેચાણ અને ૩૮.૮૬ ટકા માર્કેટ શેર સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ટાટા મોટર્સ ૫૮,૭૭૪ યુનિટ (૧૪.૧૧%) સાથે બીજા સ્થાને અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫૬,૨૧૯ યુનિટ (૧૩.૫૦%) સાથે ત્રીજા સ્થાને રહી છે. હવામાન, પર્યાવરણીય જાગૃતિ અને સરકારી સબસિડીના કારણે હવે ભારતીય ગ્રાહકો માત્ર વાહનની કિંમત જ નહીં, પરંતુ લાંબા ગાળાની બચતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

(6:17 PM IST)