News of Thursday, 6th August 2026
ભારતના રાજકારણમાં યુવા પેઢીનો સિંહફાળો: ૨૦૨૯ની ચૂંટણીમાં 'જનરલ-જી' (Gen-G) બનશે સૌથી મોટું નિર્ણાયક બળ!
યુનાઇટેડ નેશન્સ અને વસ્તી ગણતરીના અહેવાલો મુજબ ભારત વિશ્વનું સૌથી મોટું યુવા કેન્દ્ર; બિહાર, યુપી અને ઝારખંડમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ.

નવી દિલ્હી : ભારતના ભવિષ્યને આકાર આપવામાં હવે દેશની યુવા પેઢી એટલે કે 'જનરલ-જી' (Gen-G) સૌથી મોટી તાકાત બનવા જઈ રહી છે. તાજેતરમાં NEET પેપર લીક વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનો અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજે સાબિત કરી દીધું છે કે આજનો યુવાન દેશના મુદ્દાઓ પ્રત્યે સંપૂર્ણ જાગૃત છે. યુનાઇટેડ નેશન્સના 'વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ' અને વસ્તી અંદાજો અનુસાર, ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ધરાવતો દેશ છે, જે આગામી સમયમાં દેશની રાજનીતિની દિશા બદલી નાખશે.
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, ૨૦૨૬ સુધીમાં એકલા ભારતમાં ૧૪ થી ૨૯ વર્ષની વયના આશરે ૪૦૭ મિલિયન યુવાનો છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો આંકડો છે (સરખામણીમાં ચીનમાં ૨૬૪ મિલિયન અને પાકિસ્તાનમાં ૭૯ મિલિયન યુવાનો છે). ચૂંટણી પંચના ડેટા મુજબ, ૨૦૨૬ સુધીમાં દેશમાં ૧૪૦ થી ૧૬૦ મિલિયન જનરલ-જી મતદારો નોંધાયેલા હશે. આ પેઢીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ પારંપરિક ચૂંટણી જાહેરાતોને બદલે ડિજિટલ પ્લેટફોર્મ અને જમીની સ્તરના વાસ્તવિક મુદ્દાઓ જેવા કે પારદર્શક પરીક્ષા પ્રણાલી, રોજગારી અને સારા શાસનને પ્રાથમિકતા આપે છે.
વિવિધ રાજ્યોમાં યુવા વસ્તીનું પ્રમાણ અને ૨૦૨૯નું રાજકીય ચિત્ર
ભારતના વસ્તી ગણતરી કમિશનરના ડેટા પ્રમાણે, બિહારમાં કુલ વસ્તીના ૩૬.૮% યુવાનો Gen-G સાથે જોડાયેલા છે, જે દેશભરમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ૩૩.૯% અને ઝારખંડમાં ૩૩.૮% યુવા વસ્તી છે, જ્યારે દક્ષિણના રાજ્યો જેમ કે કેરળ (૨૨.૨%) અને તમિલનાડુ (૨૨.૬%) માં આ પ્રમાણ થોડું ઓછું છે.
આગામી ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી ભારતીય ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન બનશે. અંદાજ છે કે ૨૦૨૯ સુધીમાં ૧૮ થી ૩૨ વર્ષની વયની જનરલ-જી વસ્તી આશરે ૩૮૦ મિલિયન સુધી પહોંચી જશે, જે મિલેનિયલ્સ (૩૫૭ મિલિયન) ને પાછળ છોડીને દેશનું સૌથી મોટું પુખ્ત મતદાતા જૂથ બની જશે. આ પરિવર્તનને કારણે રાજકીય પક્ષોએ પણ હવે માત્ર ચૂંટણી વચનો આપવાને બદલે રોજગાર સુરક્ષા, સ્વચ્છ વાતાવરણ અને મજબૂત શાસન વ્યવસ્થા જેવા ઠોસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
