News of Thursday, 6th August 2026
કરોડોના ખર્ચે બનેલી ડ્રેનેજ સિસ્ટમ પહેલા જ વરસાદમાં ધોવાઈ: રાજસ્થાનના ભરતપુર શહેરમાં ૧૯૯૬ના પૂર પછી પહેલીવાર ઘરોમાં ઘૂસ્યા પાણી, જનજીવન અસ્તવ્યસ્ત!
મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના કાગળ પરના દાવાઓનો પર્દાફાશ; આદર્શ કોલોની, ચાંદપોલ ગેટ અને નમક કટરા જેવા વિસ્તારો ફેરવાયા ટાપુમાં, વેપારીઓને લાખોનું નુકસાન.

ભરતપુર : ચોમાસાના પહેલા જ ભારે વરસાદે રાજસ્થાનના ભરતપુર શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ અને ડ્રેનેજ સિસ્ટમના કરોડો રૂપિયાના દાવાઓની પોલ ખોલી નાખી છે. ગટર સફાઈ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા હોવા છતાં, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. શહેરના અનેક મુખ્યા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓ ટાપુમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સૌથી વધુ વિપરીત અસર આદર્શ કોલોની, ન્યૂ આદર્શ કોલોની, અનુજય નગર, ચાંદપોલ ગેટ અને નમક કટરા જેવા વિસ્તારોમાં જોવા મળી રહી છે. આદર્શ કોલોનીના રહીશોના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૯૬ના ઐતિહાસિક પૂર બાદ આ પહેલી એવી ઘટના છે જ્યારે વરસાદી પાણી લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે. ઘરનો સામાન, સોફા અને રસોડાની સામગ્રી પાણીમાં તરતી જોવા મળી હતી, જે તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે.
ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો પર્દાફાશ
ચોમાસા પહેલા ગટરો અને નાળાઓની સંપૂર્ણ સફાઈ થઈ હોવાના જે કાગળ પરના દાવાઓ કરવામાં આવ્યા હતા તે તમામ ધોવાઈ ગયા છે. કુદરતી પ્રવાહને ધ્યાનમાં લીધા વિના અને હલકી ગુણવત્તાયુક્ત સામગ્રીથી બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઈનો ક્ષણભરમાં નિષ્ફળ સાબિત થઈ છે, જેનાથી તંત્રની કામગીરી અને ટેકનિકલ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
વેપાર ઠપ્પ અને રોગચાળાનો ભય
રસ્તાઓ પર ૩-૩ ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. નમક કટરા અને ચાંદપોલ ગેટ જેવા મુખ્ય વેપારી મથકોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, ભરાયેલા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરજન્ય અને ચેપી રોગચાળો ફેલાવાનો ભય પણ તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકો કાગળ પરની વાતો છોડીને ત્વરિત ધોરણે પંપ સેટ દ્વારા પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
