<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કુઆલાલંપુર-કોચી ફ્લાઇટમાં મધ્ય-આકાશમાં ભારે હોબાળો: મુસાફરે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો, કેબિન ક્રૂએ કાબુમાં લઈને ઉતરાણ બાદ ધરપકડ કરી!

હવામાં ઉડતા વિમાનના દરવાજાની વિન્ડો પેનલને નુકસાન પહોંચાડી મુસાફરોને ધમકાવ્યા; બાટિક એરની ફ્લાઇટ કોચી પહોંચતા જ પોલીસે આરોપી સામે ગુનો નોંધી જેલભેગો કર્યો.

કોચી : મધ્ય-આકાશમાં વિમાનમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કુઆલાલંપુરથી કોચી આવી રહેલી બાટિક એરની ફ્લાઇટ OD231 માં એક મુસાફરે ચાલુ ફ્લાઇટ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ જોખમી કૃત્ય કરનાર આરોપી મુસાફરની ઓળખ જામશીર અથાનિક્કલ તરીકે થઈ છે, જેણે દરવાજાની વિન્ડો પેનલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે રાત્રે ૯:૩૦ થી ૧૧:૦૫ વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી જ્યારે વિમાન હવામાં ઉડી રહ્યું હતું. આરોપીએ અચાનક બળજબરીથી ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ શરુ કર્યો હતો. જ્યારે સાથી મુસાફરો અને કેબિન ક્રૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમને પણ ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે, કેબિન ક્રૂએ સમયસૂચકતા વાપરીને આક્રમક બનેલા મુસાફરને સફળતાપૂર્વક કાબુમાં લીધો હતો અને મોટી હોનારત ટાળી હતી.


વિમાન લેન્ડ થતાં જ પોલીસ એક્શનમાં
ગુરુવારે વહેલી સવારે ફ્લાઇટ કોચી એરપોર્ટ પર ઉતરાણ કરી તે સાથે જ બાટિક એરના સુરક્ષા પ્રભારી દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે એરપોર્ટ પર જ આરોપી જામશીરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, વિમાન અધિનિયમની કલમ ૧૧A (સુરક્ષા સૂચનાઓનું ઉલ્લંઘન) અને કેરળ પોલીસ અધિનિયમની કલમ ૧૧૮(E) (જાહેર સલામતી જોખમમાં મૂકવી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:18 PM IST)