News of Thursday, 6th August 2026
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: 'પીએમ કિસાન યોજના' ૫ વર્ષ માટે લંબાઈ, ૧૭,૦૦૦ યુવાનોને મળશે રોજગારી અને ₹૩.૧૫ લાખ કરોડનું જંગી બજેટ મંજૂર!
ખેડૂતોને વર્ષે ₹૬,૦૦૦ની સહાય ૨૦૩૧ સુધી ચાલુ રહેશે; નવી 'પીએમ સૂર્ય સરોવર યોજના' હેઠળ જળાશયો પર ૫,૦૦૦ મેગાવોટના ફ્લોટિંગ સોલાર પેનલ્સ સ્થપાશે.

નવી દિલ્હી : દેશના લાખો ખેડૂતો અને યુવાનો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. સંસદના ચોમાસુ સત્ર વચ્ચે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના કૃષિ અને ઊર્જા ક્ષેત્રને મોટો વેગ આપવા માટે અનેક દુરગામી નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાને આગામી ૫ વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવાની સાથે જ ગ્રીન એનર્જી અને રોજગાર સર્જન માટે 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના'ને પણ લીલી ઝંડી આપી દીધી છે.
પીએમ કિસાન યોજના ૨૦૩૧ સુધી લંબાઈ, ₹૩.૧૫ લાખ કરોડ મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળે નાના અને સીમાંત ખેડૂતોને સીધી આર્થિક મદદ પૂરી પાડતી પીએમ કિસાન યોજનાને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધી લંબાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ યોજના માટે સરકારે ₹૩.૧૫ લાખ કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. આ નિર્ણયથી દેશના કરોડો પાત્ર ખેડૂત પરિવારોને પહેલાની જેમ જ દર વર્ષે ત્રણ હપ્તામાં ₹૬,૦૦૦ ની નાણાકીય સહાય મળતી રહેશે.
'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના'થી ૧૭,૦૦૦ નવી નોકરીઓ સર્જાશે
દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જા (ગ્રીન એનર્જી)ને પ્રોત્સાહન આપવા માટે ₹૫,૦૭૦ કરોડના બજેટ સાથે 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના' (PM-SSY) શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ દેશના મોટા જળાશયો પર ૫,૦૦૦ મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પેનલ્સ સ્થાપિત કરવામાં આવશે, જેમાં ૧૦,૦૦૦ MWh ની બેટરી સ્ટોરેજ ક્ષમતા પણ સામેલ હશે.
આ યોજના ભારતની વર્તમાન ફ્લોટિંગ સોલાર ક્ષમતાને ૭૦૦ મેગાવોટથી વધારીને સો ટકાથી વધુ ગણી કરી દેશે. આ સમગ્ર પ્રોજેક્ટના કારણે દેશના આશરે ૧૬,૦૦૦ થી ૧૭,૦૦૦ યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે સોલાર મોડ્યુલ અને બેટરી સ્ટોરેજ ઉત્પાદનને વેગ મળશે તથા વાર્ષિક ૧૦ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટતાં પર્યાવરણને પણ મોટો ફાયદો થશે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
