News of Thursday, 6th August 2026
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન: 'ટેરિટોરિયલ આર્મી'ને ગણાવી 'વિકસિત ભારત'ના વિઝનનો મહત્વપૂર્ણ આધારસ્તંભ!
સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિની બેઠકમાં પ્રાદેશિક સેનાના રાષ્ટ્રીય સુરક્ષા, આપત્તિ રાહત અને પર્યાવરણ બચાવવા ૧૦ કરોડ વૃક્ષો વાવવાના યોગદાનની ભારોભાર પ્રશંસા કરાઈ.

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પ્રાદેશિક સેના (ટેરિટોરિયલ આર્મી) ને "નાગરિક-લશ્કરી" સહયોગનું એક ઉત્તમ અને જીવંત ઉદાહરણ ગણાવ્યું છે. ગુરુવારે નવી દિલ્હી ખાતે યોજાયેલી સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, આ દળ વડાપ્રધાનના "વિકસિત ભારત" ના વિઝનને સાકાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બેઠક દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ દળની ભૂમિકા અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા, આપત્તિ રાહત, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સેવા એમ તમામ મોરચે સેનાની બેવડી ભૂમિકાની ખાસ નોંધ લીધી હતી.
શ્રી સિંહે જણાવ્યું હતું કે, પ્રાદેશિક સેના સશસ્ત્ર દળો માટે એક "વધારાની ક્ષમતા" (રિઝર્વ ફોર્સ) ઊભી કરે છે. ૫૯ જેટલા યુનિટમાં કાર્યરત આશરે ૪૪,૪૦૦ જવાનોનું આ દળ જરૂર પડે ત્યારે તાત્કાલિક તૈનાત કરી શકાય તે રીતે સજ્જ હોય છે. નાગરિક જીવનમાં પરત ફર્યા બાદ આ જવાનો સમાજ અને સૈન્ય વચ્ચે એક મજબૂત સેતુ બનીને યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરે છે. કેરળનું ભયાનક પૂર હોય, ઓડિશાનું વિનાશક ચક્રવાત હોય કે પછી આસામમાં આવેલી તાજેતરની પૂરની આફત, આ પ્રશિક્ષિત દળ હંમેશા 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે રાહત અને બચાવ કાર્યમાં સૌથી આગળ રહ્યું છે.
પર્યાવરણના રક્ષણમાં ટેરિટોરિયલ આર્મીના અદભુત યોગદાનને બિરદાવતા સંરક્ષણ પ્રધાને માહિતી આપી હતી કે, દળના 'ઇકોલોજીકલ ટાસ્ક ફોર્સ' દ્વારા અત્યાર સુધીમાં આશરે ૧૦ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેનો સર્વાઇવલ રેટ (જીવિત રહેવાનો દર) ૮૦ થી ૮૫ ટકા જેટલો ઊંચો છે. આ ભગીરથ કાર્યથી 'મિશન લાઇફ' અને 'પંચામૃત' લક્ષ્યાંકોને મોટી સિદ્ધિ મળી છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવવામાં પણ આ દળે મહત્વનો ફાળો આપ્યો છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય, આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
