<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

"ભારતમાં યુએસ કાયદો નહીં ચાલે": મેટા સામે કેન્દ્ર સરકારનું કડક વલણ: અલ્ગોરિધમ અને નિયમો પર સ્પષ્ટ ચેતવણી

પીએમ મોદીના વીડિયો હટાવવાના વિવાદ બાદ મેટાની વૈશ્વિક ટીમ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર : CSAM, ડીપફેક, વોટ્સએપ સુરક્ષા અને પ્લેટફોર્મ્સની ભારતીય કાયદા પ્રત્યેની જવાબદારી અંગે મંત્રાલયનો આકરો અભિગમ

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત વિડિયો પ્લેટફોર્મ પરથી હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા'  ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં સંકેત આપી દીધો છે કે ભારતના ભૂમિભાગ પર અમેરિકી કાયદા કે દિશા-નિર્દેશો ચલાવી લેવામાં આવશે નહીં. ગુરુવારે મેટાની ઉચ્ચ સ્તરીય વૈશ્વિક ટીમ ભારતીય કાયદાઓ અને નિયમનોના પાલન અંગે કેન્દ્ર સરકાર સાથે અગત્યની ચર્ચા વિચારણા માટે સામસામે આવી હતી. આ વિવાદ બાદ મેટાના વૈશ્વિક પ્રતિનિધિઓ આગામી ૩ થી ૪ દિવસ સુધી ભારતમાં જ રોકાઈને સરકારી અધિકારીઓ સાથે વોટ્સએપ અને અન્ય મેસેજિંગ સુવિધાઓની સુરક્ષા બાબતે વધુ બેઠકો યોજે તેવી પ્રબળ શક્યતા છે.

આ મહત્વપૂર્ણ બેઠકોમાં કેન્દ્ર સરકાર મેટાના અલ્ગોરિધમ, કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ અને ટેકનિકલ સેફ્ટી મેઝર્સ અંગે વિસ્તૃત વિગતો માંગી રહી છે. ખાસ કરીને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરીયલ (CSAM) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા ખતરનાક 'ડીપફેક' કન્ટેન્ટ સામે લડવા માટે પ્લેટફોર્મ કઈ કક્ષાની ટેકનોલોજી વાપરે છે તેનો હિસાબ મંગાયો છે. કેન્દ્રીય અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક ટેકનિકલ પાસાને ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે અને તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સની ભારતીય સમાજ તેમજ બંધારણીય કાયદા પ્રત્યે જવાબદારી નક્કી થવી જ જોઈએ.

સરકારના આ સખત વલણ વચ્ચે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે મેટાની વૈશ્વિક ટીમ સાથે મુલાકાત કરનાર છે, જ્યારે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ કંપનીની ટેકનિકલ ટીમો સાથે વિસ્તૃત મંથન ચાલુ રાખશે. માત્ર મેટા જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર 'એક્સ' (X - ટ્વિટર) અને 'ટેલિગ્રામ' જેવા અન્ય મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ ભારતીય કાયદાઓના કડક અમલીકરણ માટે સતત ચર્ચા કરી રહી છે. ડિજિટલ સ્પેસમાં દેશની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય તેવો સ્પષ્ટ સંદેશ સરકારે આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓને આપી દીધો છે.

(7:22 PM IST)