News of Thursday, 6th August 2026
ભારતીય રેલ્વેએ મુસાફરોની આરામદાયક મુસાફરી માટે રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા માટે જાહેર કર્યા કડક નિયમો: આ નિયમો નહીં જાણો તો મુસાફરી બની શકે છે મુશ્કેલ!
ટ્રેનમાં મોટેથી અવાજ કરવા, મોડી રાત સુધી મુખ્ય લાઈટો ચાલુ રાખવા તેમજ મિડલ બર્થ ખોલવા અંગે રેલ્વે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા સ્પષ્ટ દિશા-નિર્દેશો.

નવી દિલ્હી : ભારતીય રેલ્વેમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે, અને લાંબા અંતરની સફરમાં રાત્રે આરામદાયક વાતાવરણ મળી રહે તે માટે રેલ્વેએ મહત્વપૂર્ણ 'રાત્રિ યાત્રા નિયમો' અમલમાં મૂક્યા છે. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરોની શાંતિ અને સુવિધા જળવાઈ રહે તે માટે કેટલાક વિશેષ પ્રતિબંધો અને નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નિયમો અનુસાર, રાત્રે ૧૦ વાગ્યા પછી કોચમાં શાંતિ જાળવવી અનિવાર્ય છે. આ સમય દરમિયાન કોઈ પણ મુસાફર મોબાઈલ પર મોટેથી વાત કરી શકતો નથી કે સ્પીકર પર ઇયરફોન વગર ગીતો કે વીડિયો ચલાવી શકતો નથી. તેમજ જૂથોમાં મોટેથી હસવું કે મજાક કરવી પણ પ્રતિબંધિત છે. આ ઉપરાંત, કોચની મુખ્ય લાઈટો પણ રાત્રે ૧૦ વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે, જેથી અન્ય મુસાફરોની ઊંઘમાં ખલેલ ન પહોંચે; વાંચન માટે માત્ર નાઈટ બલ્બ અથવા વ્યક્તિગત રીડિંગ લાઈટનો જ ઉપયોગ કરી શકાય છે.
મિડલ બર્થ અને ટિકિટ ચેકિંગને લગતા ખાસ નિયમો
લોઅર અને મિડલ બર્થ પર બેસવા કે સૂવા બાબતે થતા ઝઘડા ટાળવા માટે રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે મિડલ બર્થવાળો મુસાફર રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી જ પોતાની સીટ ખોલીને સૂઈ શકે છે, અને સવારે ૬ વાગ્યા પછી તેણે સીટ નીચે કરવી પડશે. મુસાફરોની શાંતિપૂર્ણ ઊંઘ સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ TTE રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા દરમિયાન ટિકિટ ચકાસવા માટે મુસાફરને જગાડી શકશે નહીં. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો મુસાફરો રેલવેની 'રેલમદદ' એપ અથવા હેલ્પલાઇન નંબર ૧૩૯ પર તરત જ ફરિયાદ નોંધાવી શકે છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
