<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અમેરિકામાં નોકરી ઇચ્છુક ભારતીયોને મળશે રાહત : અમેરિકી રાજ્યોને વિદેશી કામદારો માટે સીધા વર્ક વિઝા સ્પોન્સર કરવાની સત્તા મળી શકે

અમેરિકાની કોંગ્રેસમાં એક નવું દ્વિપક્ષીય બિલ રજૂ કરાયું જે પસાર થશે તો અમેરિકાના રાજ્યોને વિદેશી કામદારો માટે સીધા વર્ક વિઝા સ્પોન્સર કરવાની સત્તા મળશે

અમેરિકામાં નોકરી મેળવવા ઇચ્છતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની કોંગ્રેસમાં એક નવું દ્વિપક્ષીય (Bipartisan) બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો અમેરિકાના રાજ્યોને વિદેશી કામદારો માટે સીધા વર્ક વિઝા સ્પોન્સર કરવાની સત્તા મળી શકે છે. આ પગલાથી ભારતીય સહિતના કુશળ વિદેશી કામદારો માટે અમેરિકામાં રોજગાર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.

હાલની વ્યવસ્થામાં અમેરિકામાં કામ કરવા માટે વિદેશી નાગરિકોએ કોઈ અમેરિકન કંપની પાસેથી સ્પોન્સરશિપ મેળવવી પડે છે. જોકે, નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ વિદેશી કામદારોને સ્પોન્સર કરી શકશે. આથી વિવિધ ક્ષેત્રોમાં કામદારોની અછતનો સામનો કરતા રાજ્યોને મોટી રાહત મળશે

આ બિલ એરિઝોનાના કોંગ્રેસ સભ્ય માર્ક કેલી અને ઉટાહના કોંગ્રેસ સભ્ય જોન કર્ટિસ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. બિલનું નામ ‘સ્ટેટ સ્પોન્સર્ડ વિઝા પાઇલટ પ્રોગ્રામ એક્ટ ઓફ 2026’ રાખવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ રાજ્યોને તેમની આર્થિક અને શ્રમબજારની જરૂરિયાતો મુજબ વિદેશી કામદારો અને રોકાણકારોને સ્પોન્સર કરવાની તક આપવાનો છે.

જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો દરેક રાજ્ય પોતે નક્કી કરી શકશે કે તેને આ કાર્યક્રમમાં ભાગ લેવો છે કે નહીં. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ની મંજૂરી મળ્યા બાદ રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ વિઝા કાર્યક્રમ તૈયાર કરી શકશે.

રાજ્યો નક્કી કરશે કે કયા વિદેશી કામદારો અથવા રોકાણકારોને સ્પોન્સર કરવા અને કયા ક્ષેત્રોમાં તેમની જરૂર છે. સાથે જ, કાર્યક્રમ હેઠળ આવનારા લોકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી પણ રાજ્ય સરકારોની રહેશે.

 

ભલે રાજ્યોને સ્પોન્સરશિપનો અધિકાર મળે, પરંતુ વિઝા મંજૂરી, સુરક્ષા તપાસ, પૃષ્ઠભૂમિ ચકાસણી અને ઇમિગ્રેશન સંબંધિત તમામ અંતિમ સત્તા અમેરિકાની ફેડરલ સરકાર પાસે જ રહેશે. દરેક અરજદારે વિઝા મળતા પહેલાં ફરજિયાત સુરક્ષા અને બેકગ્રાઉન્ડ ચેક પાસ કરવી પડશે

(10:13 PM IST)