<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કર્નાટકના સુરથકલ નજીક 15 વર્ષના વિદ્યાર્થી લિખિત અમીનનું વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડવાથી મોત

સરકારી શાળાના ૧૦મા ધોરણમાં ભણતો લિખિત સર્વિસ કરીને નેટ તરફ દોડ્યો ત્યારે જ જમીન પર પછડાયો: આ આઘાતજનક ઘટના સીસીટીવીમાં કેદ

કર્નાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના સુરથકલ નજીક સુરિઝે ગ્રાઉન્ડ ખાતે વોલીબોલ રમતી વખતે 15 વર્ષના વિદ્યાર્થીનું અચાનક ઢળી પડવાથી કરૂણ મોત નીપજ્યું છે. અહેવાલો મુજબ, કોટે બોલારૂ સ્થિત સરકારી શાળામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતો લિખિત અમીન મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે આ આઘાતજનક ઘટના બની હતી.

દક્ષિણ કન્નડ જિલ્લાના સુરિઝે વિસ્તારમાં આવેલા પ્લેગ્રાઉન્ડ પર રોજની જેમ સ્થાનિક કિશોરો અને યુવાનો રમવા માટે એકઠા થયા હતા. રમતના આનંદ વચ્ચે અચાનક જ એક આઘાતજનક બનાવ બન્યો, જેણે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ દીધી છે.

મૃતક કિશોરની ઓળખ 15 વર્ષના લિખિત અમીન તરીકે થઈ છે. લિખિત સુરિઝે નજીક કોટે બોલારૂ ખાતે આવેલી સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો અને એક ઓટોરિક્ષા ચાલકનો પુત્ર હતો.

ઘટના સમયે લિખિત અમીન પોતાના મિત્રો સાથે સુરતકલ નજીક સુરિઝેના મેદાન પર વોલીબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન જ તેની તબિયત અચાનક લથડી હતી. અચાનક ચક્કર આવતા અથવા છાતીમાં અસહ્ય દુખાવો થતાં લિખિત રમતના મેદાનમાં જ જમીન પર ઢળી પડ્યો હતો. સાથે રમી રહેલા સાથી ખેલાડીઓ તુરંત તેની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર બનાવ ગ્રાઉન્ડ નજીક લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે લિખિત પહેલા વોલીબોલની પરફેક્ટ સર્વિસ કરે છે. ત્યાર પછી સામેની ટીમ દ્વારા ફટકારવામાં આવેલા શોટને ડિફેન્ડ કરવા માટે તે નેટ તરફ આગળ દોડે છે.

નેટ નજીક પહોંચતા જ તે અચાનક પોતાના બંને હાથ ઉપર ઉઠાવે છે અને ક્ષણવારમાં જમીન પર બેભાન થઈને પછડાય છે. તેને પછડાતો જોઈને અન્ય ખેલાડીઓ રમત રોકીને તેની તરફ દોડે છે. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા બાદ તબીબોએ તેને બચાવવાના અથાક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી નાની વયના કિશોરો અને યુવાનોમાં રમતગમત કે શારીરિક કસરત દરમિયાન અચાનક ઢળી પડવાના અને કાર્ડિયાક અરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે. નિષ્ણાતોના મતે, છૂપી હૃદયની બિમારીઓ, અચાનક એરિથમિયા (હૃદયના ધબકારા અનિયમિત થવા) કે સડન કાર્ડિયાક ડેથ (SCD) આ પ્રકારના બનાવો માટે જવાબદાર હોઈ શકે છે.

(11:11 PM IST)