News of Friday, 7th August 2026
પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર ખર્ચવામાં આવેલા ૧ રૂપિયા માટે ભારતને રૂ.૬૬,૦૦૦નું FDI મળ્યું
૨૦૨૧-૨૫માં વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસ ખર્ચ રૂ.૪૮૨.૯૨ કરોડ હતા, જ્યારે ભારતને રૂ.૩૧.૬૯ લાખ કરોડ FDI મળ્યું

નવી દિલ્હી,તા.૭: ભારત સરકારે ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પર આશરે રૂ.૪૮૨.૯૨ કરોડ ખર્ચ્યા. આ સમયગાળા દરમિયાન, દેશને આશરે ઼૩૮૧.૮ બિલિયન (આશરે રૂ.૩૧.૬૯ લાખ કરોડ) વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) મળ્યું. સરકારે રાજ્યસભામાં આ માહિતી જાહેર કરી.
સરકારી ડેટાની તુલના કરતા, વિદેશ પ્રવાસ પર ખર્ચવામાં આવેલા દરેક રૂ.૧ માટે, આશરે રૂ.૬૫,૬૨૦ (આશરે રૂ.૬૬,૦૦૦) ભારતમાં આવ્યા. જોકે, આ ફક્ત એક ગાણિતિક સરખામણી છે. બિઝનેસ ટુડેના મતે, સરકારે એવો દાવો કર્યો નથી કે આટલું FDI સીધા વડા પ્રધાનના વિદેશ પ્રવાસોમાંથી આવ્યું છે.
COVID-19 રોગચાળા પછી ભારતની વૈશ્વિક પ્રવૃત્તિઓમાં વધારો થયો હોવાથી, વડા પ્રધાનના વિદેશ પ્રવાસો પર ખર્ચ પણ વધ્યો છે.
સરકારી માહિતી અનુસાર, ૨૦૨૧ માં ત્રણ વિદેશ પ્રવાસો પર રૂ.૩૬.૧૨ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
૨૦૨૨ માં સાત પ્રવાસો પર આ ખર્ચ વધીને રૂ૫૫.૮૩ કરોડ થયો હતો.
૨૦૨૩ માં છ પ્રવાસો પર રૂ.૯૩.૬૩ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
૨૦૨૪ માં, વડા પ્રધાને ૧૧ વિદેશ પ્રવાસો કર્યા હતા, જેના પર સરકારે રૂ.૧૦૯.૫૧ કરોડ ખર્ચ્યા હતા.
૨૦૨૫ માં, ૧૧ વિદેશ પ્રવાસો પર ખર્ચ પણ વધીને રૂ.૧૮૭.૮૩ કરોડ થયો હતો.
૨૦૨૬માં અત્યાર સુધીમાં ૭૪.૫૯ કરોડ રૂપિયા ખર્ચાયા
સરકારના મતે, ૨૦૨૬માં અત્યાર સુધીમાં વડા પ્રધાનના વિદેશ પ્રવાસો પર આશરે રૂ.૭૪.૫૯ કરોડ ખર્ચાયા છે. જોકે, આ આંકડો હજુ અંતિમ નથી. ફ્રાન્સ પ્રવાસ સંબંધિત કેટલાક ખર્ચની ગણતરી હજુ ચાલી રહી છે, અને કેટલાક અન્ય દેશોના બિલોની અંતિમ પતાવટ બાકી છે.
સરકારના મતે, એપ્રિલ ૨૦૨૧ થી ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ભારતમાં કુલ $૩૮૧.૮ બિલિયન FDI આવ્યું. જો ૨૦૨૧ થી ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ઼૧ નું સરેરાશ મૂલ્ય રૂ.૮૩ માનવામાં આવે, તો આ FDI રકમ આશરે રૂ.૩૧.૬૯ લાખ કરોડ થાય છે. એક ડોલરનું વર્તમાન મૂલ્ય રૂ.૯૫.૨૪ છે, જ્યારે એપ્રિલ ૨૦૨૧માં તે આશરે રૂ.૭૫ હતું.
આ જ સમયગાળા દરમિયાન, પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસો પર રૂ.૪૮૨.૯૨ કરોડ ખર્ચાયા હતા. આ આંકડાઓની ગાણિતિક સરખામણી દર્શાવે છે કે દરેક રૂ.૧ પ્રવાસ ખર્ચ માટે, આશરે રૂ.૬૫,૬૨૦ FDI ઉત્પન્ન થાય છે. જોકે, આ રોકાણને પ્રધાનમંત્રીની વિદેશ મુલાકાતો સાથે સીધું જોડાયેલું માનવું ખોટું રહેશે. FDI અસંખ્ય આર્થિક, વ્યાપારિક અને વૈશ્વિક પરિબળોથી પ્રભાવિત છે.
વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, પ્રધાનમંત્રીની ઉચ્ચ-સ્તરીય વિદેશ મુલાકાતો અન્ય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા અને ભારતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સહયોગને વધારવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ મુલાકાતો દરમિયાન થયેલા કરારોનો હેતુ ટેકનોલોજી, નવીનતા, વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા અને પુરવઠા શૃંખલા જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
