News of Friday, 7th August 2026
GST-IT રીટર્નના ડેટા મિસમેચ થવાની નોટીસના નામે પૈસા પડાવવાનો ખેલ
વેપારીને નોટીસ મળતા જ સેટલમેન્ટ કરાવવાના નામે ખેલ

મુંબઈ,તા.૭: નાણાંકીય વર્ષ પુરુ થયા બાદ આઇટી રીટર્ન ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન વેપારી દ્વારા ભરવામાં આવતા આઇટી રીટર્નમાં અને જીએસટી દ્વારા અપાતા રીટર્નના આંકડામાં વિસંગતતા હોય તો વેપારીને નોટીસ મળતી હોય છે. આ નોટીસ મળ્યા બાદ વેપારી દોડતા થઇ જાય છે. તેનો લાભ કેટલાક તત્વો ખોટી રીતે લઈને પોતાનો ઉલ્લું સીધો કરતા હોય છે. જોકે તેનાથી બચી પણ શકાય છે.
કેન્દ્ર સરકારની તમામ રેવન્યુ એજન્સી જેવી કે આઇટી, જીએસટી, ઈ ડી, ડીઆરઆઈ, કસ્ટમ સહિતનાઓ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. તે કરાર પ્રમાણે એકબીજાના ડેટા આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. તે અંતર્ગત વેપારી દ્વારા દર મહિને ભરવામાં આવતા ૩બી રીટર્નની વિગતો ઈન્કમટેક્સ વિભાગને મળી જતી હોય છે. પરંતુ જ્યારે વેપારી દ્વારા રીટર્ન ભરવામાં આવે તો કેટલાક કિસ્સામાં જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અને વેપારી દ્વારા ભરવામાં આવતા આઇટી રીટર્નના આંકડામાં વિસંગતતા હોવાના કારણે નોટીસ મળતી હોય છે. પરંતુ તેમાં વેપારી દ્વારા ગભરાવાના બદલે આઇટી રીટર્નમાં ૩૧ ડિસેમ્બર પહેલા સુધારા કરવામાં આવે તો આગળની કાર્યવાહીથી બચી શકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ભૂલ સુધારવા માટે વેપારીને મળતો પુરતો સમય
વેપારી દ્વારા જીએસટીમાં વાર્ષિક રીટર્ન ભરવામાં આવે ત્યારે દર મહિને ભરવામાં આવતા ૩બી રીટર્નમાં થયેલી ભુલને સુધારવાની તક મળતી હોય છે. તે પ્રમાણે સુધારો કરવામાં આવ્યા બાદ વાર્ષિક રીટર્ન જીએસટીમાં ભરવામાં આવતું હોય છે. આ વાર્ષિક રીટર્ન ભરાયા બાદ તેની વિગતો આઇટી રીટર્નમાં રજુ કરી દેવાની હોય છે. જોકે ઓડીટ સાથેનું આઇટી રીટર્ન ભરવાની મુદત ૩૧ ઓકટોબર હોય છે. પરંતુ તેમાં પણ કોઇ ખામી રહી ગઇ હોય તો વેપારી દ્વારા ૩૧ ડિસેમ્બર પહેલા આઇટી રીટર્નમાં સુધારો કરી શકે છે. આ કારણોસર તેઓને નોટીસ મળી હોય તો તે રદ થઇ જાય છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
