કાવેરી જળવિવાદ અને મેકેદાતુ ડેમ પ્રશ્ને તમિલનાડુના હિતો સાથે કોઈ સમજૂતી નહીં થાય, સસ્તા રાજકારણથી દુર રહીને કાનૂની લડાઈથી જ કાયમી ઉકેલ મેળવાશે: વિધાનસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો વિપક્ષ પર આકરો પ્રહાર
કર્ણાટક સાથે સકારાત્મક પરિણામની આશા સાથે જ મંત્રણાનો પ્રસ્તાવ મૂકાયો હતો; સર્વપક્ષીય બેઠકની વિપક્ષ ડીએમકેની માંગને ફગાવતા મુખ્યમંત્રી વિજયે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીને પત્ર લખી રાજ્યનું વલણ સ્પષ્ટ કરી દેવાયું છે, જળહક માટે સરકાર મક્કમ

ચેન્નાઈ: કાવેરી નદીના પાણીની વહેંચણી અને કર્ણાટક દ્વારા પ્રસ્તાવિત મેકેદાતુ ડેમના મુદ્દે તમિલનાડુના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે પોતાની ચુપકીદી તોડતા તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું છે કે તમિલનાડુ સરકાર કાવેરી જળવિવાદ અને રાજ્યના ખેડૂતોના હકો બાબતે સહેજ પણ સમજૂતી કરશે નહીં. વિપક્ષ ડીએમકે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકની માંગને સંપૂર્ણપણે ફગાવી દેતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રશ્ને રાજકીય રોટલા શેકવાનું કે સસ્તુ રાજકારણ રમવાનું વિપક્ષી પક્ષોએ તુરંત બંધ કરવું જોઈએ.
મુખ્યમંત્રી વિજયે ગૃહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કર્ણાટક સરકાર સાથે સીધી મંત્રણા શરૂ કરવાનો પ્રસ્તાવ એ કોઈ રાજકીય આટાપાટા નહોતા, પરંતુ રાજ્યના ખેડૂતોના હિતમાં એક સાનુકૂળ અને સકારાત્મક પરિણામ લાવવાની આશા સાથેની પહલ હતી. તેમણે ઉમેર્યું કે, તમિલનાડુ સરકારે કાવેરી અને મેકેદાતુ મુદ્દે પોતાનું સ્પષ્ટ વલણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અગાઉથી જ જણાવી દીધું છે. આથી હવે કોઈ નવી સર્વપક્ષીય બેઠક યોજવાની કોઈ જ જરૂરિયાત રહેતી નથી. વિપક્ષને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, "ઇતિહાસના જૂના પ્રકરણો ઉખાડીને કે ભૂતકાળની બાબતો લાવીને હું સસ્તુ રાજકારણ કરવા નથી માંગતો. આ વિવાદમાં કોને રાજકીય ફાયદો થશે કે કોણ શ્રેય લેશે તે વિચારવાનો આ સમય નથી. કાવેરી મુદ્દે શું પગલાં લેવા તે અમારી સરકાર સારી રીતે જાણે છે અને અમે સંપૂર્ણપણે કાનૂની માર્ગે લડાઈ લડીને રાજ્યના હકો મેળવવા માટે કટિબદ્ધ છીએ."
બીજી તરફ, વિપક્ષી નેતા ઉધયનિધિ સ્ટાલિન અને મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ડીએમકેએ આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ સામે તમામ રાજકીય પક્ષોને એકજૂથ કરીને મજબૂત અવાજ ઉઠાવવામાં વર્તમાન તમિલનાડુ વેટ્રી કઝગમ (TVK) સરકાર નિષ્ફળ રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતાએ દાવો કર્યો હતો કે અગાઉની સરકારના શાસનમાં ડેલ્ટા વિસ્તારના ખેડૂતો ૬.૮ લાખ એકરમાં ખેતી કરતા હતા, જ્યારે વર્તમાન શાસનમાં તે ઘટીને માત્ર ૧.૫ લાખ એકર રહી ગઈ છે. વધુમાં, કાવેરી વિવાદ વચ્ચે જ થયેલી ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડને વિપક્ષે સરકારની ડાયવર્ઝન ટેક્ટિક (ધ્યાન ભટકાવવાની નીતિ) ગણાવી હતી, જેની સામે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કાયદા મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર ઘર્ષણમાં ટીવીકે શાસિત સરકાર અને વિપક્ષ ડીએમકે સામસામે આવી ગયા છે. ટીવીકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ અને કર્ણાટકમાં વસતા તમિલિઅનોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) અને સર્વોચ્ચ અદાલતના આદેશો મુજબ તમિલનાડુને તેના હકના પાણી મળે તે માટે તમામ કાનૂની વિકલ્પો ખુલ્લા રાખીને રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
