<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ડિસ્ટ્રિક્ટ કલ્યાણ-ડોંબિવલીની શાસ્ત્રી નગર હોસ્પિટલમાં મહિલા તબીબ અને મેડિકલ સ્ટાફ પર હુમલાના બહુચર્ચિત કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય: શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને અન્ય આરોપીઓને કડક શરતો સાથે જામીન મંજૂર, મહારાષ્ટ્રમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી ગોવા દેશપાર કરવાનો હુકમ

​ગોવાના ઉત્તર ભાગમાં આવેલા નાઝરી રિસોર્ટમાં ફરજિયાત રોકાણ, સપ્તાહમાં ત્રણ દિવસ અંજુના પોલીસ મથકે હાજરી પૂરવી પડશે અને કલ્યાણ-ડોંબિવલી તથા ઠાણે જિલ્લાની સરહદોમાં પ્રવેશી નહીં શકાય તે સહિતના કડક નિયમો સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનો અદાલતનો આદેશ

​મુંબઈ: ડોંબિવલી સ્થિત સરકારી હોસ્પિટલના મહિલા તબીબ અને આરોગ્ય કર્મચારીઓ પર હિંસક હુમલો કરવાના ગંભીર ગુનામાં ઘેરાયેલા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે તથા તેમના સાથીદારોને બોમ્બે હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. જોકે, અદાલતે તબીબોની સુરક્ષા અને કેસના સાક્ષીઓ પર કોઈ દબાણ ન આવે તે હેતુથી તમામ આરોપીઓ પર અત્યંત કડક શરતો લાદી છે, જેમાં સૌથી મહત્વની શરત આરોપીઓને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાંથી બહાર રાખવાની છે.

​અદાલતના સત્તાવાર આદેશ મુજબ, શિવસેના નેતા રમેશ મ્હાત્રેએ આ કેસની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉત્તર ગોવાના બાગા-કલંગૂટ સ્થિત 'નાઝરી રિસોર્ટ એન્ડ લોન્સ'માં જ રોકાણ કરવું પડશે. આ સાથે જ તેમને અંજુના પોલીસ સ્ટેશનમાં અઠવાડિયામાં ત્રણ દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) નિયમિતપણે પોતાની હાજરી પુરાવવી પડશે. મહારાષ્ટ્રમાં પ્રવેશબંધી ઉપરાંત, તપાસ અને કેસની સુનાવણી દરમિયાન આરોપીઓને કલ્યાણ-ડોંબિવલી તથા ઠાણે જિલ્લાની ભૌગોલિક સરહદોમાં પણ પગ મૂકવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે.

​કોર્ટે તમામ આરોપીઓને પોતાના પાસપોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે. આ સિવાય પીડિત મહિલા ડોક્ટર કે અન્ય તબીબી સ્ટાફનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક સાધવા પર, અથવા તો કેસના સાક્ષીઓને ધમકાવવા કે પ્રભાવિત કરવાના પ્રયાસો કરવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તબીબી આલમની સુરક્ષા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે.

​ઉલ્લેખનીય છે કે, કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ૬ જુલાઈના રોજ એક નવજાત શિશુને ગંભીર હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું. તે સમયે હોસ્પિટલના એનઆઈસીયુ (NICU) વોર્ડમાં વેકેન્ટ બેડ ઉપલબ્ધ ન હોવાથી ડ્યુટી પરના તબીબોએ બાળકને તાત્કાલિક અન્ય સુવિધાજનક હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. આ બાબતે ઉશ્કેરાઈને શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રે પોતાના સમર્થકો સાથે હોસ્પિટલ સંકુલમાં ધસી આવ્યા હતા અને ઓન-ડ્યુટી મહિલા ડૉક્ટર તથા અન્ય કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી કુરસીઓ, ફાઇલો તેમજ લાતો અને મુક્કાઓથી પ્રાણઘાતક હુમલો કર્યો હતો.

​આ સમગ્ર હિંસક ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મહારાષ્ટ્રના તબીબી સંઘો અને તબીબોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ અગાઉ પણ હાઈકોર્ટે આરોપીના જામીન રદ કરીને સખત ફિટકાર લગાવી હતી. હવે તમામ પાસાંઓની ગંભીરતાથી નોંધ લઈને અદાલતે જામીન તો મંજૂર કર્યા છે, પરંતુ મહારાષ્ટ્રની સરહદ બહાર મોકલીને આરોપીઓ પર કડક નજર રાખવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

(2:57 PM IST)