News of Friday, 7th August 2026
ડીજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એકટનું પાલન કરવા મેટાનો મોટો નિર્ણય: ભારતમાં વોટ્સએપ યુઝર્સ માટે ઉંમરની ખરાઈ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો
ડેટા સુરક્ષા અને બાળ સુરક્ષાના કડક નિયમો વચ્ચે દેશના ૬૦ કરોડથી વધુ વોટ્સએપ વપરાશકર્તાઓની પ્રાઈવસી જાળવીને ઉંમર ચકાસવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જોકે હાલ તબક્કે આ સુવિધા યુઝર્સ માટે સંપૂર્ણપણે મરજિયાત રહેશે

નવી દિલ્હી: દેશમાં ડીજિટલ ડેટા સુરક્ષા અને યુઝર્સની પ્રાઈવસી ક્ષેત્રે આવી રહેલા વ્યાપક બદલાવોના ભાગરૂપે પ્રમુખ ટેકનોલોજી કંપની મેટા દ્વારા ભારતમાં પોતાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ 'વોટ્સએપ' પર યુઝર્સની ઉંમરની ખરાઈ (Age Verification) કરવા માટેનો એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા 'ડીજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન' (DPDP) એક્ટની જોગવાઈઓનું સમયસર પાલન કરવાના હેતુથી કંપની દ્વારા આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ડીજિટલ કાયદા હેઠળ ટેક કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુઝર્સની ડેટા પ્રાઈવસી વધારવા, પ્લેટફોર્મ પર સગીરો અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ તમામ ભારતીય યુઝર્સનો ડેટા દેશની સરહદોની અંદર જ સ્ટોર કરવા સહિતના કડક ધોરણોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાયદાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મેટા દ્વારા ભારતમાં ચકાસણી પ્રક્રિયાનું પ્રાથમિક પરીક્ષણ શરૂ કરાયું છે.
કંપનીના જણાવ્યા અનુસાર, વોટ્સએપ પર શરૂ કરવામાં આવેલી આ એજ વેરિફિકેશન પ્રક્રિયા સંપૂર્ણપણે યુઝર પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવતી ઉંમર સંબંધિત કોઈ પણ અંગત માહિતી અન્ય યુઝર્સ કે તૃતીય પક્ષ સાથે શેર કરવામાં આવશે નહીં. હાલના તબક્કે આ પાયલોટ પ્રોજેક્ટ યુઝર્સ માટે સાવ મરજિયાત રાખવામાં આવ્યો છે અને તેનાથી વોટ્સએપની મૂળભૂત કાર્યપદ્ધતિ કે સેવાઓમાં કોઈ જ ફેરફાર કે અડચણ આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ ૬૦ કરોડથી પણ વધુ વોટ્સએપ યુઝર્સ છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી અફવાઓ, ડીપફેક અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) જેવી દૂષણો સામે વૈશ્વિક સ્તરે તેમજ ભારતમાં કડક નિરીક્ષણ ચાલી રહ્યું છે. ડીપીડીપી કાયદા હેઠળ તબક્કાવાર રીતે તમામ નિયમો અમલી બની રહ્યા છે, જેમાં બીજો તબક્કો ૧૩ નવેમ્બર, ૨૦૨૬થી લાગુ થશે જ્યારે મે ૨૦૨૭ સુધીમાં આ કાયદો પૂર્ણપણે અમલમાં આવી જશે. નવા નિયમો હેઠળ ડેટા લીક અંગે ત્વરિત જાણકારી આપવી અને વાંધાજનક સામગ્રી હટાવવાના આદેશોનું તાત્કાલિક પાલન કરવું ટેક કંપનીઓ માટે અનિવાર્ય બનશે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
