<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સિંગાપુરમાં ધાર્મિક વસ્તી ગણતરીમાં મોટો ફેરફાર: હિન્દુ ધર્મ પાળનારા લોકોની સંખ્યામાં ઝડપી વધારો, જ્યારે ઈસાઈ અને ઈસ્લામ ધર્મના અનુયાયીઓ ઘટી રહ્યા હોવાનો સર્વેમાં ખુલાસો

​સિંગાપુર જનરલ હાઉસહોલ્ડ સર્વે મુજબ પાંચ વર્ષમાં હિન્દુઓની વસ્તી વધીને ૫.૪ ટકા થઈ, નાસ્તિક અને બિન-ધાર્મિક લોકોની વસ્તીમાં સૌથી મોટો ૩.૯ ટકાનો ઉછાળો નોંધાયો

​સિંગાપુર સિટી: દક્ષિણ-પૂર્વ એશિયાના સમૃદ્ધ દેશ સિંગાપુરમાં રહેતા નાગરિકોની ધાર્મિક સ્થિતિ અને વસ્તી વિષયક માળખામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મોટા ફેરફારો નોંધાયા છે. સિંગાપુર સરકારના તાજેતરના 'જનરલ હાઉસહોલ્ડ સર્વે' અનુસાર, દેશમાં ૧૫ વર્ષથી વધુ વય ધરાવતી વસ્તીમાં હિન્દુ ધર્મ પાળનારા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આનાથી વિપરીત ઈસાઈ, ઈસ્લામ, બૌદ્ધ અને તાઓ ધર્મના અનુયાયીઓની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે.

​હિન્દુ વસ્તી વધવાના મુખ્ય કારણો

સર્વેક્ષણની વિગતો મુજબ, છેલ્લા પાંચ વર્ષોમાં હિન્દુ ધર્મ જ એકમાત્ર એવો મુખ્ય ધર્મ રહ્યો છે જેના પાલનકર્તાઓની સંખ્યામાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૦માં સિંગાપુરમાં હિન્દુ વસ્તી ૫.૦ ટકા હતી, જે વધીને ૨૦૨૫ સુધીમાં ૫.૪ ટકા થઈ ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતમાંથી ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સનું સિંગાપુરમાં સતત થઈ રહેલું સ્થળાંતર અને ત્યાંની કાયમી નાગરિકતા મેળવવી એ હિન્દુ વસ્તી વધવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, હિન્દુ સમુદાયમાં પોતાના મૂળ ધર્મ પ્રત્યેની નિષ્ઠા (રિટેન્શન રેટ) ૯૭ ટકા જેવી ઊંચી માલૂમ પડી છે. સાથે જ, સ્થાનિક સ્તરે હિન્દુ સમુદાયમાં જન્મદર મૃત્યુદર કરતાં વધુ હોવો પણ વસ્તીવૃદ્ધિમાં સહાયક બન્યો છે.

​બિન-ધાર્મિક અને નાસ્તિક વર્ગમાં જબરદસ્ત ઉછાળો

આ સર્વેક્ષણનું સૌથી રોચક અને મહત્વપૂર્ણ પાસું એ બહાર આવ્યું છે કે સિંગાપુરમાં કોઈ પણ ધર્મ ન પાળનારા કે બિન-ધાર્મિક લોકોની સંખ્યામાં સૌથી વધુ ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ધર્મથી અંતર રાખનારા લોકોનું પ્રમાણ ૨૦.૦ ટકાથી વધીને ૨૩.૯ ટકા સુધી પહોંચી ગયું છે, એટલે કે તેમાં ૩.૯ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. સિંગાપુર નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસરોના મતે, હવે દેશમાં દર ચોથો નાગરિક પોતે કોઈ ચોક્કસ ધાર્મિક ઓળખ સાથે જોડાયેલો નથી.

​અન્ય પરંપરાગત ધર્મોના પ્રમાણમાં ઘટાડો

આ જ સમયગાળા દરમિયાન દેશમાં ઈસાઈ સમુદાયની ટકાવારીમાં સૌથી વધુ ૧.૮ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય તાઓ ધર્મ પાળનારા લોકોમાં ૧.૫ ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે બૌદ્ધ અને ઈસ્લામ ધર્મના અનુયાયીઓના આંકડામાં પણ સાપેક્ષ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિકરણ, શિક્ષણનું ઊંચું પ્રમાણ અને યુવા પેઢીની બદલાતી માનસિકતાને આ જનસાંકિીય બદલાવ માટે જવાબદાર માનવામાં આવી રહી છે.

(2:58 PM IST)